• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

તમાકુ, પેટ્રોલ, ડીઝલ, ફટાકડા પર સેસ ઝીંકાશે ?

હૃષિકેશ વ્યાસ દ્વારા : અમદાવાદ,તા.28 : ચાલુ વર્ષ 2025-26માં ગુજરાત સરકારનું કુલ બજેટ રુ. 3.70 લાખ કરોડનું હતું. જે હવે, આગામી ફેબ્રુઆરી-2026ના મધ્યમાં મળનારા રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થનારા ગુજરાત સરકારના વર્ષ 2026-27નું કુલ બજેટ રુ. 4.20 લાખ કરોડને પાર કરશે એવી શક્યતા નકારી શકાતી નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે GSTના દરોમાં ધરખમ ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારની વાર્ષિક GSTની આવકમાં અંદાજે રુ. 10,000 કરોડની ઘટ થશે એમ મનાય છે ત્યારે હવે, રાજય સરકાર તેના વાર્ષિક બજેટના કદમાં 17થી 20 ટકાના વધારાની સાથોસાથ GSTની આવકમાં વધારો કરવા માટે તમાકુ-તેની બનાવટો, ડીઝલ-પેટ્રોલ, ફટાકડાં, પાર્ટી ગરબા અને સલુન ઉપર GST નહીં પણ તેના સ્થાને વધારાનો સેસ નાંખશે, તે નક્કી મનાય છે. ગુજરાત સરકારનું વર્ષ 2025-26ના કદુ બજેટમાં 11.3 ટકાનો વધારો કરાયો હતો. જે આ વખતે 20 ટકા સુધી પહોંચી શકે છે. ચાલુ બજેટમાં સરકારે, પાંચ સ્તંભો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં મુખ્યત્વે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાગત સુવિધા, હરિયાળી વૃદ્ધિ અને આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ કર્યો હતો. ગત બજેટમાં સરકારે કોઈ નવો કર નાંખ્યો ન હતો પણ આ વખતે સેસમાં વધારો કરીને વેરાની વધારાની આવકો ઉભી કરશે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે સરકારની સામે સંખ્યાબંધ પડકારો ઉભા થયા છે ત્યારે આ વખતના બજેટમાં રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગના બજેટમાં સૌથી વધુ વધારો કરશે.  તાજેતરમાં જ રાજ્ય સરકારે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ ઉપરાંત વધારાની 15 નવી મહાનગરપાલિકાઓ બનાવીને હવે રાજ્યની કુલ મહાનગરપાલિકાઓની સંખ્યા 23 જેટલી કરી નાંખી છે ત્યારે હવે, આ નવી મહાનગરપાલિકાઓના સંપૂર્ણ અને ઝડપી વિકાસની જવાબદારી પણ રાજ્ય સરકારને ઉઠાવવી પડશે અન એટલે સરકારને આ વખતના નવા બજેટમાં તેની નાંણાકીય જોગવાઈઓ કરવી પડશે. રાજ્યના નાણા વિભાગે સપ્ટેમ્બર મહિનાથી ગુજરાત સરકારના વર્ષ 2026-27ના નવા બજેટ અને સરકારના વિવિધ વિભાગના વિભાગીય બજેટ તૈયાર કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. જેની સત્તાવાર જાણ પણ સરકારના તમામ વિભાગોને કરીને તેમાં ચાલુ યોજનાઓ, નવી યોજનાઓ, તેના માટે જરુરી નાણાકીય જોગવાઈઓ અંગેની વિગતો મંગાવી છે. જે ડિસેમ્બર-2025 સુધીમાં પૂર્ણ કરી, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવક-જાવકનો તાગ મેળીને નવા બજેટને આખરી ઓપ અપાશે.  

Panchang

dd