નવી દિલ્હી, તા.28 : કેન્દ્ર સરકારના
એક કરોડથી વધારે કર્મચારી અને પેન્શનધારકો માટે દિવાળી પછી દિવાળી જેવા મોટા સમાચાર
મંગળવારે મળ્યા હતા. દેશની નરેન્દ્ર મોદી સરકારે આજે આઠમા પગાર પંચની શરતોને આખરે મંજૂરી
આપી દેતાં 10 મહિનાનો ઈન્તઝાર ખતમ થયો હતો.
આ પગલાંથી કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારી
અને 69 લાખ પેન્શનધારકને ફાયદો થશે.
દેશના માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્ત્વના સમાચાર આપતાં જણાવ્યું હતું
કે, સરકારે આઠમાં પગારપંચને મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટનાં પૂર્વન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈને પગારપંચનાં અધ્યક્ષ પદે નિયૂક્ત
કરાયાં છે. આઈઆઈએમ બેંગલોરના પ્રોફેસર પુલક
ઘોષ, પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ પંકજ જૈનને સભ્ય બનાવાયા છે.
પગારપંચ પોતાની ભલામણો 18 મહિનામાં
સરકારને સોંપશે. આ ભલામણો પહેલી જાન્યુઆરી, 2026થી અમલી બની શકે છે. પંચ કર્મચારીઓનાં
અને પેન્શનરોનાં પગાર અને ભથ્થાંની સમીક્ષા કરશે. એનસી-જેસીએમ (સ્ટાફસાઈડ) સચિવ શિવ
ગોપાલ મિશ્રાનું કહેવું છે કે, આઠમાં
પગારપંચને લાગુ કરવામાં વિલંબ થશે, તો પણ આ ભલામણો પહેલી જાન્યુઆરી,
2026થી જ અમલી કરાશે. મોડું થશે
તો જાન્યુઆરી, 2026થી એરિયર્સ પણ કર્મચારીઓ,
પેન્શનરોને અપાશે. અગાઉ, સાતમું પગારપંચ લાગુ કરાયું
હતું તે વખતે પણ મોડું થઈ ગયું હતું અને તમામ કર્મચારી, પેન્શનરોને
એરિયર્સ ચૂકવાયું હતું. પંચ દેશની આર્થિક સ્થિતિ, નાણાકીય શિસ્તની
આવશ્યક્તા, વિકાસકામો, કલ્યાણકારી યોજનાઓ
માટે પુરતા સ્રોતો ઉપલબ્ધ રહે. ભવિષ્યમાં રાજ્ય સરકારો પર પડનારી આર્થિક અસર કેન્દ્રીય
જાહેર અને ખાનગી સાહસોના કર્મીઓના પગાર, ભથ્થાંની તુલના જેવી
પાંચ બાબત પર ભલામણ કરતી વખતે ખાસ ધ્યાન આપશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વધતી મોંઘવારી સહિત પાસાંઓને ધ્યાનમાં રાખતા દર 10 વર્ષે નવાં પગારપંચની રચના
કરાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ આઠમાં પગારપંચની રચનાનું એલાન કરાયું હતું, પરંતુ કેન્દ્રીય પ્રધાન મંડળની મંજૂરી મળવામાં
10 મહિના જેટલો સમય લાગી ગયો.
આ વિલંબ સામે સરકારી કર્મચારીઓ અને તેમનાં સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી, પરંતુ આખરે પંચને મંજૂરી મળી ગઈ છે. - કોણ છે પગારપંચના
અધ્યક્ષ ? : નવી દિલ્હી, તા. 28 : કેન્દ્ર સરકારે
મંજૂર કરેલાં આઠમાં પગારપંચનાં અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઇ સુપ્રીમ કોર્ટનાં પૂર્વ
ન્યાયમૂર્તિ છે, તો સીમાંકન આયોગનું નેતૃત્વ
પણ કરી ચૂકયાં છે. ગુજરાત સરકારે પણ રંજનાની સેવાઓ લીધી હતી. ખાસ તો સમાન નાગરિક સંહિતા
લાગુ કરવા માટે ભલામણો કરનારી સમિતિનું સુકાન પણ તેમને સોંપાયું હતું. રંજના પ્રકાશ
દેસાઇનાં માર્ગદર્શન હેઠળ જ જમ્મુ-કાશ્મીરમાં બેઠકોની પુન: રચના કરાઇ હતી. તેમનાં વડપણ
હેઠળ સાત નવી બેઠક રચાતાં કાશ્મીરમાં કુલ બેઠકોની સંખ્યા વધીને
90 થઇ ગઇ હતી. એટલું જ નહીં, પરંતુ રંજના લોકપાલ પસંદગી સમિતિનું પણ નેતૃત્વ
કરી ચૂકયાં છે. રંજનાનો જન્મ 30મી ઓક્ટોબર, 1949ના થયો હતો. તેમણે 1973માં સરકારી લો કોલેજ, મુંબઇમાંથી કાયદા સ્નાતકની ડિગ્રી મેળવી હતી.