• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

અભ્યાસમાં રૂચી ન હોતા ઘરેથી નીકળી ગયેલી કીશોરીનું પરિવાર સાથે મીલન કરાવાયું

ગાંધીધામ, તા. 28  : અભ્યાસમાં રસ ન હોવાથી  પોતાના ઘરેથી નીકળી ગયેલી કિશોરીનું  181 અભયમની ટીમ દ્વારા  પરિવાર સાથે મીલન કરાવ્યું હતું.  જાગૃત નાગરીક દ્વારા રેલવે સ્ટેશન ખાતે  દીકરી મળી આવી હોવાની જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચી 181 ટીમે કિશોરી સાથે વાતચીત શરૂ કરી હતી. શરૂઆતમાં કિશોરી વારંવાર પોતાનું સરનામું બદલતી હતી અને કોઈ ચોક્કસ માહિતી આપતી ન હતી.  કુશળ કાઉન્સાલિંગ અને ધીરજભર્યા પ્રયત્નો બાદ કિશોરીએ અંતે પોતાનું સાચું ઘરનું સરનામું જણાવ્યું. કાઉન્સાલિંગ દરમિયાન કિશોરીએ જણાવ્યું કે તેને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો, તેથી તે પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.181 ટીમના સમજાવવાથી તેને ભાન થયું કે અભ્યાસ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેણે વચન આપ્યું કે હવે તે નિયમિત રીતે શાળાએ જશે અને પરિવારને જાણ કર્યા વિના ક્યારેય પણ ઘરેથી બહાર નહીં નીકળે. 181 ટીમ કિશોરીને લઈને તેના ઘરે પહોંચી. ઘરે પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે કિશોરીના પિતા હયાત નથી અને બપોરના લગભગ બે વાગ્યે તેની માતા તથા મોટી બહેનને ખ્યાલ આવ્યો હતો કે કિશોરી ઘરમાં હાજર નથી. બંનેએ તેની શોધખોળ શરૂ કરી હતી. કિશોરીને સહી-સલામત જોઈ તેની માતા તથા મોટી બહેન ખૂબ ખુશ થયા, તેમણે  મહિલા હેલ્પલાઇન ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી.  

Panchang

dd