• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

`શુદ્ધ' ચૂંટણી અને યાદી સફાઈ : 12 રાજ્યમાં એસઆઇઆર

ચૂંટણીપંચે બિહારની ચૂંટણી પછી દેશભરમાં 12 રાજ્યમાં મતદારયાદીઓની ઘનિષ્ઠ ચકાસણી કરવાની જાહેરાત કરી છે. લોકતંત્રને સાર્થક બનાવવા માટે ચૂંટણી `શુદ્ધ' હોવી જોઈએ અને મતદારોની યાદી પણ `શુદ્ધ' હોવી જોઈએ. આ માટે ઘનિષ્ઠ ચકાસણી અનિવાર્ય છે. બિહારની મતદારયાદીની ફેરતપાસ શરૂ થાય તે પહેલાં રાહુલ ગાંધીએ `વોટ ચોરી'નો આક્ષેપ કરીને વિવાદ ભડકાવ્યો હતો. સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીથી ચૂંટણીપંચે પ્રક્રિયા અને મતદારના પુરાવા બાબત સુધારા સ્વીકાર્યા હતા અને મતદારયાદીઓને આખરી સ્વરૂપ અપાયા બાદ એક પણ ફરિયાદ મળી નથી, તે પંચની કામગીરી પારદર્શી અને સફળ હોવાનો પુરાવો છે. બિહારમાં મતદારયાદીની ચકાસણી શરૂ થયા પછી વોટ ચોરીના નામે પંચ સામે પણ આક્ષેપ થયા હતા અને ભારતીય લોકતંત્રમાં લોકોની શ્રદ્ધા ડગી જાય એવા વિવાદ અને વાતાવરણ ઊભા કરવામાં આવ્યા હતા. હવે પંચે જે 12 રાજ્યમાં આવી ચકાસણી કરવાની જાહેરાત કરી છે, તેમાં તામિલનાડુ અને બંગાળનો સમાવેશ છે. આગામી વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી થનાર હોવાથી તે રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરાશે. મહારાષ્ટ્ર-મુંબઈમાં 31મી જાન્યુ.-2026 સુધીમાં સ્થાનિક ચૂંટણીઓ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે, પણ પંચે જાહેર કરેલાં રાજ્યોમાં મહારાષ્ટ્રનું નામ નથી, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પંચને ચેતવણી આપી છે કે, મતદારયાદીમાં ભૂલ-ગોટાળા, ગરબડની પૂરી તપાસ થયા વિના જો ચૂંટણી કરવાનો નિર્ણય લેવાશે, તો વિપક્ષે સંયુક્ત રીતે નક્કી કરવું પડશે કે સ્થાનિક ચૂંટણી થવા દેવી કે નહીં. જો કે, ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી નથી કે આવા સંજોગોમાં વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરશે કે કાયદો - વ્યવસ્થાના પ્રશ્નો હશે. ચૂંટણીપંચે મહારાષ્ટ્રનો સમાવેશ 12 રાજ્યમાં કર્યો નથી. શક્ય છે કે, વિધાનસભાની ચૂંટણી નક્કી થાય તે પહેલાં નિર્ણય લેવાય. ચૂંટણીપંચે પસંદ કરેલાં 12 રાજ્યમાં ગુજરાતે સામેલ છે. ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી આવશે એ પહેલાં મતદારયાદીનું શુદ્ધિકરણ કરવાની પંચની નેમ છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે સ્પષ્ટ કહ્યું છે કે, `સર'નો ઉદ્દેશ એ જ છે કે કોઇ યોગ્ય-પાત્ર મતદાર રહી ન જાય અને કોઇ અયોગ્ય મતદાર ખોટી રીતે સામેલ ન થાય. તમામ રાજ્યની મતદારયાદી પારદર્શી બનાવાશે. આ રાજ્યોમાં 21 વર્ષ પછી એસઆઇઆર પ્રક્રિયા થઇ રહી છે. વિરાટ કામગીરી સંપન્ન થયા બાદ સાતમી ફેબ્રુઆરી-2026ના અંતિમ મતદાતા સૂચિ જારી કરવામાં આવશે. બિહારની જેમ પશ્ચિમ બંગાળમાં તીવ્ર વિરોધ ઉઠયો છે. તો મહારાષ્ટ્રમાંય રાજનીતિ જામી છે. ચૂંટણીપંચે હાથ ધરેલી `યાદી - સફાઈ' પ્રક્રિયાનો વિરોધ કરનારા શહેરી નક્સલવાદીઓ હોવાનો આક્ષેપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યા પછી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ મુખ્ય પ્રધાન ફડણવીસ આતંકવાદી હોવાનો અને વિકાસના નામે  કોન્ટ્રાક્ટરો  પાસેથી `સુપારી' લેવાનો આક્ષેપ કર્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ મહત્ત્વની યોજનાઓ સંદર્ભે મુંબઈમાં હતા; ભાજપ માટે નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપર ગંભીર - બેફામ આક્ષેપ કર્યા કે બંનેની નજર - ડોળા - મુંબઈ ઉપર છે. એમનાં નામ આપ્યા વિના એમને `આનાકોન્ડા' - ભયાનક જળચર સર્પ સાથે સરખાવ્યા અને કહ્યું કે, તેઓ આખા મુંબઈને હડપ - ગળી જવા માગે છે ! અત્યાર સુધી મહારાષ્ટ્રના પ્લાન્ટ ગુજરાતમાં ખેંચી જવાય છે એવા આક્ષેપ થયા હતા, પણ મહારાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, મુંબઈ ભારતનું આર્થિક પાટનગર છે અને મહારાષ્ટ્ર - ગુજરાત નહીં - ભારતને ગૌરવ છે. રાજકારણથી મુંબઈના વિકાસને અળગું રાખવું જોઈએ. 

Panchang

dd