અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની વિવાદિત નવી ઈમિગ્રેશન
નીતિમાં રાહત આપવાની ફરજ પડી રહી છે. અમેરિકા
જેવા સમૃદ્ધ દેશમાં ડોલર રળવાના દુનિયાભરના લોકોનાં સ્વપ્નને દુ:સ્વપ્ન બનાવતી નવી
ઈમિગ્રેશન નીતિમાં હવે હળવેકથી રાહત મળી રહી છે. પોતાની આ નીતિથી ખુદ અમેરિકાના વિકાસની
આડે અંતરાય ઊભો થઈ રહ્યો હોવાનું ભાન થતાં ટ્રમ્પે ચાવીરૂપ એચ-વનબી વિઝાની એક લાખ ડોલરની
મસમોટી ફીમાંથી ંજૂના વિઝાધારકોને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના એચ-વનબી
વિઝા ચાવીરૂપ એવા સોફ્ટવેર એકમો માટે અનિવાર્ય બની રહે છે, પણ તેની ફી એક લાખ ડોલર કરી નાખાવાના ટ્રમ્પના
નિર્ણય સામે દુનિયાભરમાં ભારે ઉહાપોહ થયો હતો. ટ્રમ્પ તેમની પ્રકૃતિ મુજબ અણધાર્યા
નિણયો લઈને ભારે સનસનાટી સર્જતા રહ્યા છે. આ અનુસંધાનમાં તેમણે ઈમિગ્રેશન અને તેમાં
પણ ખાસ તો એચ-વનબી વિઝાના નિયમોમાં ભારે કડક કરીને એક લાખ ડોલરની ફી લાદી દીધી હતી.
તેમના આ નિર્ણયની ચોમેર ભારે ટીકા થઈ રહી છે. હવે અમેરિકાએ આ કડક નિયમોને થોડા હળવા
બનાવીને એક લાખ ડોલરની આ ફી માત્ર એચ-વનબી પ્રકારના વિઝા માટે નવી અરજી કરનાર પૂરતી
મર્યાદિત કરી નાખી છે. જૂના વિઝાધારકોને તેમાંથી મુક્તિ અપાઈ છે. સાથોસાથ પોતાના વિઝાની
સ્થિતિમાં ફેરફાર અથવા વિઝાની મુદ્દત વધારવા કે અમેરિકાના પ્રવાસ માટે અરજી કરનારને
વધારાની ફી ભરવી પડશે નહીં. ઉદાહરણ સ્વરૂપે અમેરિકામાં વિદ્યાર્થી તરીકે એફ-વન અથવા
આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટેના એલ-વન વિઝા સાથે પ્રવેશનાર જો અમેરિકામાં રહીને એચ-વન
વિઝા મેળવે છે તો તેને વધારાની ફી ભરવી પડશે નહીં. ટ્રમ્પે જ્યારે ઈમિગ્રેશનના કાયદાને
કડક કરવાની ઉતાવળી જાહેરાત કરી ત્યારથી તેની અસર હેઠળ આવતા લોકોમાં ભારે અસ્પષ્ટતા
અને ચિંતાની લાગણી જાગી હતી. હવે અમેરિકા સરકારે આ મામલે અમુક મુદ્દા સ્પષ્ટ કર્યા
છે. ખાસ તો નવી ફી ચૂકવવાની કોને જરૂર રહેશે તેની સાથોસાથ તેમાં છૂટછાટ મેળવવાની પાત્રતા
અને તે માટે અરજીની વિગતો હવે જાહેર કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, અચે-વનબી વિઝા અમેરિકાના ચાવીરૂપ સાફ્ટવેર અને ફાઈનાન્સ ક્ષેત્ર માટે ભારે
મહત્ત્વ ધરાવે છે. આ વિઝામાં ભારતીયો 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. સ્વાભાવિક રીતે આ માટેના નિયમો ભારતીય
વ્યાવસાયિકો માટે ચિંતા જગાવતા રહ્યા હતા.
હવે આમાં આંશિક રાહત મળતાં સંખ્યાબંધ ભારતીયોને તેનો લાભ મળી શકશે, પરંતુ અમેરિકાએ આ વિઝાના તેના વિકાસમાં યોગદાનના
મહત્ત્વને સમજીને તેના નિયમોને વધુ હળવા બનાવવા પર ગંભીરતા સાથે ધ્યાન આપવાની ખાસ જરૂરત
છે.