કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 28 : અમેરિકામાં વ્હાઈટ હાઉસથી 10 મિનિટના અંતરે આવેલી જ્યોર્જટાઉન
યુનિવર્સિટીની હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. હવે લિવરને 24 કલાક જીવંત રાખી શકાય તેવા
ઓર્ગન સેવિંગ ડિવાઈસની શોધ થઈ છે, જેના
કારણે દર્દીઓના વેઈટિંગ લિસ્ટમાં 30થી 40 ટકાનો ઘટાડો
થયો છે. આ ઓર્ગનઓક્સ મશીનની ટીમમાં કચ્છનાં જ્યોતિ ધરોડ - ગાલા (સાડાઉ) છે. જેઓ વોશિંગ્ટન
ડીસીમાં ઘણી હોસ્પિટલમાં ચીફ પરફ્યુઝનિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ એક્મો સ્પેશિયાલિસ્ટ
છે અને વિજ્ઞાની છે. એક દિવસના બાળકમાં પણ એક્મો શીખવાડે છે તેને નીઓનેટલ એક્મો કહે
છે. આ માહિતી આપતાં જ્યોતિ ધરોડ - ગાલાએ જણાવ્યું કે, અમેરિકામાં ક્યાંયથી લિવર મળે તો જ્યોર્જટાઉન
યુનિવર્સિટીની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે પણ લિવરને ઓર્ગનઓક્સ મશીન પર
રાખવાથી 24 કલાક સુધી
જીવંત રાખી શકાય છે, જેથી લિવર
નકામું જતું નથી. જ્યોર્જટાઉન યુનિવર્સિટીની હોસ્પિટલમાં બધા વીઆઈપી દર્દીઓ આવે છે.
ઓર્ગનઓક્સ મશીનમાં ડિસ્પોઝેબલ વાપરવામાં આવે છે. તેની કિંમત 60થી 70 લાખ રૂા. થાય છે એટલે આ ટેક્નોલોજી ઘણી મોંઘી છે. ભારતમાં લિવર
ટ્રાન્સપ્લાન્ટ થાય છે પણ અહીં ખૂબ એડ્વાન્સ છે. આ મશીન એફડીએ માન્ય છે. જ્યોતિબહેને
જણાવ્યું કે, અહીંની હોસ્પિટલમાં વર્ષમાં
અંદાજે 150 જેટલા ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
આ જ્યોર્જટાઉન યુનિવર્સિટી વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં છે. બિલ ક્લિન્ટન, હિલેરી ક્લિન્ટન જેવાં વીઆઈપી અહીં ભણ્યા છે.
અહીં એડમિશન મળવું પણ મુશ્કેલ છે. જોબ મળવો પણ મુશ્કેલ છે. હું મારી જાતને ભાગ્યશાળી
માનું છું કે, મને અહીં જોબ મળી છે. જ્યોતિબહેન હાલમાં ભારતમાં
મનિપાલ યુનિવર્સિટીની બે હોસ્પિટલમાં પ્રોફેસર છે. તેમણે યુએસએની 26 હોસ્પિટલ, ભારતની 17 હોસ્પિટલ અને કેનેડાની ત્રણ
હોસ્પિટલમાં કામ કર્યું છે. પોતાની આ સિદ્ધિઓ માટે માતાપિતા કેસરબેન નાનજી ધરોડ, બહેનો હર્ષા કાંતિલાલ ધરોડ, જયા તુષાર વોરા અને ભારતી અશ્વિન સાવલા તેમ જ પતિ મોહિત લક્ષ્મીચંદ ગાલાને
શ્રેય આપે છે. - ઘૂંટણની સારવાર
: જ્યોતિબહેન ધરોડે સ્ટેમ સેલ પદ્ધતિથી ઘૂંટણની
સારવારના કેમ્પ કચ્છ, મુંબઈ,
પાલીતાણા અને સુરતમાં કર્યા હતા. જે માત્ર જૈન સંતો માટે યોજ્યા હતા
અને કુલ 485 જૈન સાધુ-સંતોને
નિ:શુલ્ક સારવાર આપી હતી. આ તમામ કેમ્પ મહાવીર જ્યોતના બેનર હેઠળ યોજાયા હતા તે માટે
કોઈ ડોનેશન લેવાયું ન હતું. તમામ ખર્ચ જ્યોતિબહેને પોતે ભોગવ્યો હતો.