મહાત્મા ગાંધીજીની કચ્છયાત્રાની શતાબ્દી ઊજવાઈ રહી છે. તેમના
કચ્છના અનુભવો વિશે વીતેલાં વર્ષ દરમ્યાન ઘણું લખાયું, ચર્ચાએ થઈ... કચ્છના ગાંધીવાદીઓ કે સર્વોદય
કાર્યકરોએ બાપુના વિચારોના અમલ માટે જીવન સમર્પિત કરી દીધું. નીલપર આશ્રમની વાત અગાઉ
આ સ્થળે કરી ગયા છીએ. મહાત્મા ગાંધીને સાથે રાખવા કે જીવનમાં ઉતારવા એનો ફરક મોટો છે.
ફક્ત બીજી ઓકટોબર-ગાંધી જયતીએ કે નિર્વાણદિન 30મી જાન્યુઆરીએ બાપુને પ્રતીકાત્મક શ્રદ્ધાંજલિ
આપનારા લાખો હશે. આપણી નેતાગીરી આવી ઉજવણી માટે ટ્રેડમાર્ક ધરાવે છે. રાજકારણીઓ ખાદી
જરૂર પહેરે છે, પણ એ ચરખાથી કાંતેલા સૂતરની
બરછટ ખાદી નથી. નવા જમાનાને અનુરૂપ ટેરી ખાદી કે લીનને તેનું સ્થાન લઈ લીધું છે. ખેર...
વિક્રમ સંવત 2082ના પ્રથમ
રવિવારે નકારાત્મક વાતો કરવાને બદલે કચ્છની એવી શખ્સીયતને યાદ કરીએ જેઓ જાહેર જીવનમાં
ઉચ્ચ સ્થાને પહોંચ્યા ને જીવનપર્યંત ગાંધીજી જેવું અથવા તો ગાંધીવિચારને આત્મસાત કરીને
જીવ્યા... એ છે કુન્દનલાલ ધોળકિયા. ગાંધી અને ગાંધીવાદને વટાવી ખાનારાઓ વચ્ચે ગુજરાત
વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર કુન્દનલાલભાઈ નિર્મળ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવીને મુઠ્ઠીઊંચેરા
બની રહ્યા હતા. એમની સાથે બે દાયકા પહેલાં થયેલી વાતચીત આજે વર્તમાન અને ભાવિ પેઢી
માટે પ્રેરણાદાયી છે. - વ્યક્તિ નહીં, વિચાર છે : મહાત્મા ગાંધી વિચારધારા બની રહ્યા છે એ સર્વવાદ છે, સર્વોદય છે. ઘણા કહે છે, ગાંધીવાદ હવે રહ્યો નથી, પણ મારો જવાબ છે આ શાશ્વતવાદ
ક્યારેય નષ્ટ નહીં થાય, બલ્કે દુનિયાભરમાં ફેલાઇ ગયો છે. કાળા-ગોરાના
લોહિયાળ સંઘર્ષનો ઇતિહાસ ધરાવતા અમેરિકાના વિદેશમંત્રી કોફી અન્નાન છે. આ ગાંધીવાદના
મજબૂત પુરાવા છે. - એ યાદગાર
પ્રસંગ : 1955માં યુરોપના પ્રવાસે ગયો હતો.
ઇટાલિયન સજ્જન મારી સાથે બેઠા હતા. ઇન્ડિયન છું એ જાણીને તેમણે પૂછ્યું, નેહરુને મળ્યા હશો...` જવાબ આપ્યો, હા...! ગાંધીને ઓળખો છો ? કદી જોયા'તા ? હકારમાં જવાબ સાંભળીને
એ 25,000 ફિટની ઊંચાઇએ ઊઠતાં વિમાનમાં
ઊભો થઇ ગયો... ઓહ... તમે એ ગ્રેટ ગાંધીને જોયા છે...? મને તમારી પ્રત્યે આદર થાય છે...! પૂ. બાપુ
પ્રત્યેની આ માયા છે. - સ્મૃતિનો
ખજાનો : જીવનના સાડા આઠ દાયકા વીતાવ્યા
પછી સ્મૃતિનો ખજાનો છલોછલ છે. 1944માં મુંબઇ
ભણતો. નોકરીની જરૂરિયાત નહોતી. છતાં સ્વખર્ચે ડિગ્રી લેવી હતી. આઝાદીની લડત ચરમસીમાએ
હતી. નવમી સપ્ટેમ્બરના દિવસે ગાંધીજી મહમ્મદ અલી ઝીણાને મળવા તેમને ઘેર આવ્યા ત્યારે
પહેલીવાર જોયા. એ જ અરસામાં મુંબઇ ખાતે શાંતાક્રૂઝ ઝૂમાં પ્રાર્થના હતી. દસ-પંદર હજારની
મેદની. ચોમેર કોલાહલ. હું છેવાડે બેઠો હતો. ઓચિંતી એક વ્યક્તિ બંગલા પાછળથી આવી. નાકની
દાંડીએ આંગળી મૂકીને શીશ... કર્યું... અને સોપો પડી ગયો. ગાંધીનો એવો પ્રભાવ હતો. મારી
માટે પદ કે પ્રતિષ્ઠા કરતાં આ સ્મૃતિઓ મહત્ત્વની છે. આવા તો ભગવાન હોય : ગાંધી અજબ
માણસ હતા. નમક સત્યાગ્રહ વખતે દાંડીકૂચ આદરી ત્યારે તેમાં જોડાયેલા બધા સામાન્યજન હતા, કોઇ નેતા નહીં, કાગડા-કૂતરાંના
મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું... એ વિધાન તેમનું
આત્મબળ દર્શાવે છે. 1924માં લડત ઉગ્ર
હતી, કોઇ પણ દિવસે સ્વરાજ મળી જશે એમ લાગતું હતું.
અંગ્રેજ ફોજના 20 સિપાહીની
હત્યા થઇ ને બાપુએ લડત પાછી ખેંચી લેવાની ધમકી આપતાં કહ્યું કે, જેના પાયામાં એક પણ વ્યક્તિનું લોહી રેળાયું
હોય એવી આઝાદી નથી જોઇતી... દેશભરમાં ખળભળાટ મચી ગયો. નેહરુએ પાછળથી એને હિમાલયન બ્લન્ડર
લેખાવી હતી. 15મી ઓગસ્ટ, 1947ની રાત્રે
આઝાદી મળી, ત્યારે ગાંધીજી તો કોમી
હિંસાની આગ બુઝાવવા બંગાળ (નોવાખલી)માં ભટકતા હતા. જર્મન વિજ્ઞાની આઇનસ્ટાઇને કહ્યું
છે કે, એમ.કે. ગાંધી ખરેખર જન્મ્યા હતા એવું ભવિષ્યની પેઢી માનસે
જ નહીં... કારણ કે, આવા ગુણ ધરાવતી વ્યક્તિ ઇન્સાન નહીં ભગવાન
હોય. - સમાજની જવાબદારી : ગાંધીજીને જીવાડવાની અપેક્ષા માત્ર રાજકારણીઓ પાસે ન રખાય.
રાજકારણીઓએ સમય પ્રમાણે બદલાતા પ્રવાહમાં જવું પડે છે. રાજ્યતંત્ર હવે સમવાય છે. કોંગ્રેસનું
એકચક્રી શાસન રહ્યું નથી, મારાં મનથી
કહું તો સમાજે જવાબદારી નીભાવવી જોઇએ. રામ, કબીર, મીરાં, નરસિંહ કેમ લોકહૃદયમાં પેશી ગયા છે એ રીતે ગાંધીને
આજનો સમાજ જ જીવાડશે અને એ દેશના યુવાધન માટે નિતાંત આવશ્યક છે. ગાંધીજી કહેતા,
મનની બારીને બંધ ન રાખજો. નવી પેઢીને હું એ જ સંદેશ આપું છું. - ...અને છેલ્લે થોડું કુન્દનભાઈ
વિશે... : મૂળ ભુજના કુન્દનલાલભાઈનો જન્મ તા. 10 ઓગસ્ટ, 1920માં કોલકાતામાં
થયો, બાદ ભુજમાં વસ્યા અને પોતાનાં રાજકીય જીવનની
શરૂઆત કચ્છમાંથી કરી. તા. 7-3-2011ના ભુજમાં અવસાન થયું. તેમણે 24થી 25 વર્ષ વકીલાત કરી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાં ધારાસભ્ય તરીકે ચૂંટાતાં
પૂરતો સમય પ્રજાનાં કાર્યો માટે આપી શકાય, જેથી ધીકતી વકીલાતનો વ્યવસાય છોડી દીધો. 1951થી તેઓ જાહેરજીવનમાં સક્રિય
થયા, 1953-1954 સુધી
ભુજના નગરપતિના સમયમાં ભુજ શહેરમાં પ્રથમ ડામર રોડ,
પ્રથમ રોડલાઈટ, બાગ, ગઢ તોડાવવાની
કામગીરી થઈ. ભુજમાં સ્વચ્છતા, સુઘડતા અને સંસ્કારિતા માટે તેમનું
મોટું પ્રદાન રહેલું. કે.ડી.સી.સી. બેન્કના પૂર્વ જનરલ મેનેજર અને દિવંગત ધારાશાત્રી
સુભાષભાઈ ડી. વોરા કુન્દનભાઈ સાથે ઘરોબો ધરાવતા. તેમણે કચ્છમિત્રમાં કેટલીક અગત્યની
વિગત નોંધી હતી. સને 1975થી 1980માં ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા
બાદ ગુજરાત વિધાનસભાના પ્રથમ કચ્છી અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અધ્યક્ષ તરીકે નિષ્પક્ષતા, મક્કમતા સાથે કામગીરી કરીને પદની ગરિમા વધારી
હતી તેમજ શ્રેષ્ઠ સ્પીકર તરીકે નામના મેળવી. વિધાનસભામાં શિસ્ત અને સમયપાલનના આગ્રહી
રહ્યા. તેઓ વિધાનસભાના અધ્યક્ષપદે હતા, ત્યારે સત્તાપલટો થતાં
તેમણે તરત જ અધ્યક્ષપદેથી રાજીનામું આપી-સ્પીકર (અધ્યક્ષ)નો બંગલો ખાલી કરી ગયેલા.
15મી ઓગસ્ટ, 1998માં સ્વાતંત્ર્યસેનાની
તરીકે પેન્શન ન લેવાનાં કારણે ગુજરાત સરકારે તેમને સુવર્ણ ચંદ્રક આપવાનું નક્કી કરેલું, પરંતુ તેમણે સુવર્ણ ચંદ્રક સ્વીકારેલો નહીં.
કુન્દનભાઇનું વ્યક્તિત્વ એક વડલા સમાન હતું અને પોતાનું સમગ્ર જીવન સમાજકલ્યાણને અર્પિત
કરેલું હતું. તેઓ પક્ષાપક્ષીથી પર હતા. તેઓ જીવનભર મોભાને અનુરૂપ ગૌરવ અને સન્માન સાથે
જીવ્યા... અને મહાત્મા ગાંધીને અનુસરતા રહ્યા.