કેરા (તા. ભુજ), તા. 28 : લોખંડી પુરુષ
સરદાર વલ્લભભાઇ પટેલને 150 વર્ષ પૂર્ણ
થતાં 31 ઓક્ટોબરે ભુજ ખાતે રન ફોર યુનિટી
- એકતા યાત્રાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, કચ્છી લેવા પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે કરાયું છે. રજિસ્ટર થવા ક્યુઆર કોડ
સ્કેન કરી શકાય છે. વહેલી સવારે 6.45 કલાકે સરદાર પટેલ વિદ્યાસંકુલ ભુજ-મુંદરા રોડ (આર.ડી.) પાસેથી
શરૂ થનાર યાત્રાને રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે સાંસદ, વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો,
કચ્છ કલેક્ટર આનંદ પટેલ, શિક્ષણ વિભાગ સહિતના ઉપસ્થિત
રહેનાર હોવાનું યાત્રા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અનિલ જાદવે માહિતી આપતાં જણાવ્યું હતું.
કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ ઉમેર્યું કે, આ સંસ્થા દર વર્ષે આયોજન કરે છે તે પ્રમાણે સંસ્થાના દ્વારે સરદાર સાહેબની
પ્રતિમાને હારારોપણ કરાશે. કચ્છી લેવા પટેલ યુવક સંઘ પ્રમુખ ડો. દિનેશ પાંચાણી અને
યુવા ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ ચોવીસીના યુવક-યુવતીઓ ભાગ લેશે. શિક્ષણ વિભાગ દ્વારા
છાત્ર-છાત્રાઓ, રમત-ગમત વિભાગના ખેલાડીઓ જોડાશે. અત્યાર સુધી
600 જેટલાનું રજિસ્ટ્રેશન નોંધાયું
છે. યાત્રા માટે આર.ડી.થી લેવા પટેલ હોસ્પિટલ થઇ જ્યુબિલી સર્કલથી જયનગર ગેટ બાદ પરત
સરદાર પટેલ સંકુલ સુધી પાંચ કિ.મી.નો રૂટ જાહેર કરાયો છે. રજિસ્ટર થનારને વહેલાં તે
પહેલાંના ધોરણે લેવા પટેલ સમાજ તરફથી ટી-શર્ટ પણ નિ:શુલ્ક અપાનાર છે. ટી-શર્ટની ઉપલબ્ધિ
હશે તેટલા જ વિતરિત કરાશે. જનસામાન્ય કોઇપણ ભાગ લઇ શકશે એવું યાદીમાં જણાવાયું છે.