ડાર્વિન, તા. 14 : બાંગલાદેશ માટે ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધ ટેસ્ટ વિજયની ઐતિહાસિક તક સર્જાઇ છે. પ્રથમ ટેસ્ટના સતત બીજા દિવસે બાંગલાદેશે
સંપૂર્ણ વર્ચસ્વ સાથે આગેકૂચ કરી છે. ઓસ્ટ્રેલિયાને પહેલા દિવસે 198 રનમાં ઓલઆઉટ કર્યા બાદ આજે
બીજા દિવસની રમતના અંતે બાંગલાદેશ ટીમે બેટથી પણ બળૂકો દેખાવ કરીને છ વિકેટે 3પ1 રન કર્યા છે. આથી તેની સરસાઇ 1પ3 રને પહોંચી ચૂકી છે. બાંગલાદેશ તરફથી ઓપનર તંજિદ હસને શાનદાર
સદી ફટકારી હતી, જ્યારે કપ્તાન નઝમૂલ હસન
શાંતોએ 84 રનની ઇનિંગ્સ રમી હતી. તંજિદ
હસન ઓસ્ટ્રેલિયાની ધરતી પર બાંગલાદેશ તરફથી સદી કરનારો પહેલો ખેલાડી બન્યો હતો. તેણે
197 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગાથી 101 રનની યાદગાર
ઈનિંગ્સ રમી હતી. તેણે બીજી વિકેટમાં મોમુનિલ હક (49) સાથે 102 રનની ભાગીદારી
કરી કાંગારૂ બોલરોને હંફાવ્યા હતા. કપ્તાન નઝમૂલ શાંતોએ 126 દડામાં 7 ચોગ્ગા-1 છગ્ગાથી 84 રન કર્યા
હતા. આ સિવાય મુશફીકુર રહીમે ઉપયોગી 36 રનનું અને મહેંદી હસન મિર્ઝાએ અણનમ 32 રનનું યોગદાન આપ્યું હતું.
તેની સાથે હસન મહમૂદ 16 રને નોટઆઉટ
રહ્યો હતો. આ બન્નેએ ઓસ્ટ્રેલિયાની નિસ્તેજ બોલિંગનો ફાયદો ઉઠાવીને 147 દડામાં 43 રનની અતૂટ ભાગીદારી કરી લીધી
છે. આથી બીજા દિવસના અંતે બાંગલાદેશના 110 ઓવરમાં 6 વિકેટે 3પ1 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને હેઝલવૂડે 2-2 વિકેટ લીધી હતી.