નવી દિલ્હી, તા. 14 : લાંબા સમયથી
જેની રાહ જોવાતી હતી, તે દેશની 16મી વસ્તીગણતરીમાં બીજાં ચરણની સત્તાવાર
પ્રક્રિયા કેન્દ્ર સરકારે શરૂ કરી દીધી છે. આઝાદી પછી દેશના ઈતિહાસમાં પહેલીવાર તમામ
સમુદાયોની જાતિ કઈ છે, તેની જાણકારી
પણ મેળવાશે. બીજી તરફ, કોંગ્રેસે જાતિગત વસ્તીગણતરી મુદ્દે મોદી
સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજકીય પક્ષો સાથે કોઈ
જાતની ચર્ચા આ મુદ્દે કરાઈ નથી. સરકારે વસ્તીગણતરીના પ્રશ્નોની યાદીની સાથે જાતિઓની
પહેલાંથી તૈયાર કોઈ યાદી કે વિકલ્પ રાખ્યા નથી, એ જોતાં સરકારના
ઈરાદા પર શંકા પેદા થાય છે, તેવો આરોપ કેંગ્રેસ મહામંત્રી જયરામ
રમેશે મૂક્યો હતો. દેશના ઈતિહાસની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસ્તીગણતરી માટે કોરોનાની
રસી ક્યાં મુકાવી, કેટલાં બેન્ક ખાતાં છે, જેવા 40 સવાલની યાદી
તૈયાર કરાઈ છે. વસ્તીગણતરીમાં વ્યક્તિનું નામ, પરિવારના મોભી સાથે સંબંધ, લિંગ, જન્મતારીખ અને ઉંમરની સાથે લગ્ન વખતે ઉંમર, ધર્મ અને
જાતિ પુછાશે. પાંચ પ્રશ્નના બીજા હિસ્સામાં સાક્ષરતા, ડિજિટલ
સાક્ષરતા, દિવ્યાંગતા, માતૃભાષા,
ઉચ્ચત્તમ શૈક્ષણિક યોગ્યતા વિષયે પુછાશે. આઠ સવાલના અન્ય ભાગમાં છેલ્લાં
એક વર્ષમાં કામ કર્યું છે કે નહીં, આર્થિક પ્રવૃત્તિ,
વ્યવસાય, કામનું ક્ષેત્ર, કામની શોધ, કામનાં સ્થળ સુધી અવર-જવરની જાણકારી લેવાશે.
અન્ય આઠ સવાલના વિભાગમાં જન્મસ્થળ, અગાઉનું રહેણાક સ્થળ,
સ્થળાંતરનું કારણ, સ્થાયી નિવાસનું સરનામું પુછાશે.
મહિલાઓને જીવિત બાળકો, અત્યાર સુધી જન્મેલાં બાળકો અને છેલ્લાં
એક વર્ષમાં જન્મેલાં બાળકોની સંખ્યા પુછાશે. સાત સવાલના અન્ય હિસ્સામાં કોવિડ રસી ક્યાં
મુકાવી, કુલ બેન્ક ખાતાં કેટલાં, મોબાઈલ
નંબર, આધાર નંબર, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટ
નંબર તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ છે કે નહીં, તેવા સવાલો પુછાશે.
દેશમાં લોકકલ્યાણની યોજનાઓના લાભ છેવાડાના ભાગ સુધી પહોંચે છે કે નહીં, તેનાં ચોક્કસ મૂલ્યાંકન માટે મોબાઈલ ફોન, ઈન્ટરનેટની
સુવિધા, વાહન, એલપીજી જોડાણ, પીવાનાં પાણીના મુખ્ય સ્રોત, બેંકિંગ સુવિધાઓના ઉપયોગ
જેવી જાણકારી પણ લેવાશે.