ભુજ, તા. 14 : શહેરમાં નવા માર્ગો બને અને
ટૂંક સમયમાં જ ખોદકામ કરાય. આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે, જે અંતર્ગત ગઈકાલે જ ભુજના `એ' ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આર. એન્ડ બી.એઁઁ બનાવેલો માર્ગ સુધરાઈ દ્વારા ખોદાતાં
ભારે ચર્ચા જાગી હતી. ભુજ શહેરમાં અને તેને જોડતા વિવિધ માર્ગોનું નવીનીકરણ ચાલી રહ્યું
છે, જે અંતર્ગત શહેરમાં ધીંગેશ્વર મંદિરથી નૂતન સ્વામિનારાયણ
માર્ગનું આર. એન્ડ બી. દ્વારા ગઈકાલે નવીનીકરણ હાથ ધરાયું હતું. કામ હજુ પૂરું પણ નથી
થયું ત્યાં આજે સવારે ભુજ સુધરાઈની ટીમ દ્વારા નવા રસ્તાનું ખોદાણ કરાતાં જાગૃત નાગરિકોએ
રોષ સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સમગ્ર બનાવ અંગે ભુજ સુધરાઈ પ્રમુખ શીતલ શાહનો
સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ગઈકાલનાં કામ દરમ્યાન માર્ગ
સમથળ કરવા આર. એન્ડ બી. દ્વારા રોલર ફરાવાયું, જેના ભારને કારણે
પાણીની લાઈન તૂટી પડી હતી, જેને પગલે આજે સુધરાઈની ટીમે લાઈન
મરંમતનું કામ હાથ ધર્યું હતું. અલબત્ત, સાંજ સુધી મરંમતકામ પૂર્ણ
થઈ જશે અને આર. એન્ડ બી. દ્વારા માર્ગ પર ડામરનું કામ પૂર્ણ કરાશે તેવી માહિતી પ્રાપ્ત
થઈ હતી.