અંજાર, તા. 14: શહેરના જુદા-જુદા વિસ્તારોમાં
છેલ્લા લાંબા સમયથી દૂષિત પાણી વિતરણ કરાતુ હોવાની ફરીયાદો વચ્ચે છેલ્લા ચાર મહિનાથી
સુધરાઈ ધ્વારા શુધ્ધીકરણ પાણી વિતરણ કરવામાં આવતુ હોવાના આક્ષેપો ઉઠયા છે. લોકોના આરોગ્ય
સાથે ચેડા સમાન ગંભીર મુદે વિપક્ષે તંત્ર અને સતાધીશોને આડે હાથે લીધા હતા. અંજાર-સાપેડા
રોડ ઉપર આવેલા સુધરાઈના ટયૂબવેલ ઉપર થી કલોરીનેશન વિના પાણી વિતરણ કરવામાં આવતુ હોવાના
આક્ષેપ સાથે ઘટસ્ફોટ થયો હતો. આ સ્થળે કલોરીનેશન ના જથ્થા વાળા ટાંકીઓ ખાલીખમ જોવા
મળી હતી. તેમજ પાલિકાના દરસ્તાવેજ નોંધમાં ગત તા.13/4/2026 ના વિતરણ થતા પાણીમાં કલોરીનેશન કરાયુ હોવાનુ દર્શાવવામાં આવ્યુ
હતું. તેવામાં છેલ્લા ચાર મહિનાથી લોકોની શુધ્ધીકરણ વિના જ પાણી વિતરણ કરવામાં આવતુ હશે તેવા સવાલો ઉઠયા છે. આમ આદમી પાર્ટીના શહેર
પ્રમુખ ગજરાજસિંહ જાડેજાએ સતાધીશોએ આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે પાલિકા ધ્વારા છેલ્લા લાંબા સમયથી શુધ્ધીકરણ
વિના જ નાગરીકોને પાણી વિતરણ કરવામાં આવે છે. જે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે.
આ પ્રકારનો નીતીને લઈને પાણીજન્ય રોગચાળો ફેલાવાની
ભીતી વ્યકત કરી તેમણે આ ગંભીરતા દાખવા માંગ કરી હતી. દરમ્યાન શાસકપક્ષના નેતા આશિષ
ઉદવાણીનો સંપર્ક કરતા તેમણે કહયુ હતુ કે પાણીનુ કલોરીનેશન કરતી એજન્સીનો કાર્યકાળ પૂર્ણ
થતા પાણીમાં કલોરીનની મેળવણનુ કામગીરી શકય બની નથી. નવી એજન્સીની નિમણૂક ન કરવામાં
આવે ત્યાં સુધી જુની એજન્સી ને જ કામગીરી સોંપાઈ છે. આવતીકાલથી જ કલોરીનયુકત પાણી વિતરણ
કરાશે.દૂષિત પાણી વિતરણની ફરીયાદ સામે તેમણે કહયુ હતુ કે હાલમાં નર્મદાનુ પાણી વિતરણ
થઈ રહયુ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ થી નર્મદામાં નવા નીર આવ્યા છે. જેને લઈને આ સ્થિતિ
ઉભી થઈ છે. આગામી થોડા દિવસોમાં આ સમસ્યા ઉકેલાઈ જશે તેવુ તેમણે ઉમેર્યું હતું. શહેરમાં
નાગરીકોને વિતરીત થતા પાણીની ગુણવતા તપાસવા માટે તાત્કાલિક ધોરણે નમૂના લઈને તેનુ પરીક્ષણ
કરવુ જોઈએ. તેમજ વિવિધ વિસ્તારોમાં પાણીની ગુણવતા અંગેનો અહેવાલ જાહેર કરવો જોઈએ તેમજ
કલોરીનેશન અંગેની કામગીરીની વિગતો પણ નાગરીકો સમક્ષ મુકવામાં આવી તેવી માંગ ઉઠી હતી.