• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

લોહશાહીના ભોગે અરાજકતાનો વિકલ્પ

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત આઝાદીના ઉત્સવમાં, વિકસિત ભારત નિર્માણ યજ્ઞમાં વિઘ્ન ઊભાં કરવાના પ્રયાસ થઈ રહ્યા છે! આ અગાઉ દુશ્મનના આક્રમણ, કુદરતી આપત્તિ જેવાં સંકટ અને પડકાર આપણે ઝિલ્યા છે અને અખંડ ભારતની અખંડ એકતાથી પ્રતિકાર કરીને સફળતા મેળવી છે. આ સફળતા સામે દેશના `છૂપા અને છતા' દુશ્મનોની આંખો અંજાઈ ગઈ છે અને દૃષ્ટિ બગડી છે, પણ આપણા જ ઘરમાં - દેશમાં બેઠેલા અને પેઠેલા ગદ્દારોની આંખોમાં ભારતની એકતા અને વિકાસ કણાંની જેમ ખૂંચે છે! આ વર્ષે સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ ઉત્સાહને બદલે ઉચાટ-ચિંતાનું વાતાવરણ સર્જવાના પ્રયાસ થયા છે. ભારતનું યુવાધન અને યુવાશક્તિનું અપહરણ કરવાના ત્રાગડા રચાયા છે. સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ સંસદમાં અને સંસદ બહાર જે દેખાવો - તમાશા થયા છે તે જોઈને જો ભારતનું હિત હૈયે હોય એવા કોઈ પણ દેશવાસીનું મસ્તક શરમથી ઝૂકી જાય નહીં - અને દેશભક્ત યુવાશક્તિનું રક્ત ઊકળી ઊઠે નહીં તો સમજવું કે આપણી રક્તવાહિનીઓમાં હજુ ક્યાંક ગુલામીની ઘૂસણખોરી સાફ - થઈ નથી! આજે દેશમાં જે પરિસ્થિતિ સર્જવાના પ્રયાસ થઈ રહ્યા છે તેનો પડકાર ભારત સરકાર સામે નહીં સમગ્ર ભારત, સંસદીય લોકશાહી સામે છે! આપણા રાજ્ય-બંધારણના-સંવિધાનના ઘડવૈયાઓએ દૂરંદેશીથી સંસદીય લોકશાહીની સ્થાપના કરી છે. સત્તાનો માર્ગ સંસદીય લોકશાહી અને ચૂંટણી છે એવો સ્પષ્ટ આદેશ અને આદર્શ માર્ગ છે : લોકતંત્રમાં લોકો સર્વોચ્ચ અને સત્તાધીશ છે, પણ હવે સત્તાભૂખ્યા કેટલાક નેતાઓ અકળાંતિયા બન્યા છે. ગમે તે ભોગે - દેશ અને લોકશાહીના ભોગે પણ સત્તા હડપવા અને ભોગવવા માગે છે. તલપાપડ થઈ રહ્યા છે : એમણે અરાજકતાનો વિકલ્પ અને માર્ગ અપનાવ્યો છે. ચીનના સર્વોચ્ચ નેતા માઓ ઝેદોંગે યુવાવર્ગને ભડકાવ્યો હતો - સત્તા બેલોટ પેપરથી નહીં, બુલેટ-બંદૂકના નાળચામાંથી મળે છે - અને ભારતમાં નક્ષલવાદનો જન્મ થયો - લોકતંત્રને ખતમ કરવા અને સશક્ત બળવો જગાવવા માટે, વર્ષો-દાયકાઓ સુધી ગેરરસ્તે ચડેલા અને ભોગ બનેલા સેંકડો-હજારો લોકોની બરબાદી અને બાદબાકી થઈ છે. હવે એનડીએ સરકાર અને ગૃહપ્રધાન અમિત શાહ નક્ષલવાદ નાબૂદ કરવામાં અને યુવાવર્ગને શાંતિ-વિકાસના માર્ગે વાળવામાં સફળ થયા છે : પણ રાજકારણમાં નક્ષલવાદની નવી નસ્લ આવી છે. સત્તાભૂખ્યા નેતાઓ આ મુઠ્ઠીભર `ભૂલા પડેલા' યુવાનોને ખોળામાં બેસાડીને રાજકીય શતરંજમાં એમને પ્યાદા બનાવી રહ્યા છે! વિદ્યાર્થી આંદોલનનું કારણ સાચું હતું - અને છે. પરીક્ષા-શિક્ષણ સુધારા અનિવાર્ય છે. સરકારે અનેક સુધારા કર્યા પણ શિક્ષણ ક્ષેત્ર ભુલાઈ ગયું. પુસ્તકો સુધારવામાં આવ્યા, પણ પરીક્ષા ભુલાઈ ગઈ. વડાપ્રધાને કૌશલ્યનું મહત્ત્વ સમજાવ્યું, પણ તેનો પૂરો લાભ લઈ શકાયો નહીં. બીજી બાજુ બેકારી નિવારણ માટે કૃષિથી ઉદ્યોગો સુધીના સુધારા સામે રાજકીય અવરોધ અને વિરોધ શરૂ થવાથી સફળતા મળી નહીં. આ સંજોગોમાં વિદ્યાર્થી વિરોધ અને આંદોલન યોગ્ય છે, પણ તેમાં સમાજવિરોધી તત્ત્વોની ઘૂસણખોરી થઈ, રાજકીય નેતાઓ- રાહુલ ગાંધીની આગેવાની હેઠળ જોડાયા અને આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું. અભડાઈ ગયું. સંસદ ઉપર મોરચો અને વડાપ્રધાનના નિવાસ સામે ધસારો કઈ રીતે ચલાવી શકાય? રાજકીય વૃત્તિથી પ્રેરાઈને, ઉશ્કેરાઈને કોઈ વિદ્યાર્થી આત્મદહન કરવા પ્રેરાય તો? આવી સ્થિતિ ઊભી થાય નહીં તેની ચિંતા હતી. દેશમાં અરાજકતા ઊભી કરવાનો વિચાર અને માર્ગ બતાવવામાં આવ્યો. સડકથી સંસદ ઉપર પ્રભાવ-કબજો જમાવવાનાં સૂત્રો પોકારવામાં આવ્યાં. અભદ્ર ભાષા અને વર્તાવ શરૂ થયા - જે હવે રાહુલ ગાંધી આગળ ચલાવે છે! પેલેટ ગોળીબારની સ્પષ્ટતા થઈ, સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી, વડાપ્રધાને શિક્ષણ સુધારાની ખાતરી આપી, પણ રાજકીય નેતાઓને શિક્ષણ સાથે લેવાદેવા નથી. માત્ર સત્તા મેળવવા માટે શિક્ષણ આંદોલનને સાધન - માધ્યમ બનાવ્યું છે. શિક્ષણ પ્રથા બદલવી નથી, સરકાર બદલવી છે તે પણ કૂપ્રચાર અને ગેરબંધારણીય માર્ગે! નોંધપાત્ર બાબત એ છે કે, વિદ્યાર્થી આંદોલનમાં અને તે પછી પોલીસ તંત્ર અને ગૃહપ્રધાનને નિશાના ઉપર લઈને રાહુલ ગાંધી બતાવવા માગે છે કે, કાયદો-વ્યવસ્થાની ઐસી કી તૈસી! આવી અરાજકતા રાજકીય ક્ષેત્રમાં પણ લાવવા માગે છે! સંસદમાં શિક્ષણપ્રધાન પછી ગૃહપ્રધાનનું રાજીનામું માગવાની શરૂઆત થઈ. એનડીએ સરકારની બદનામી કરવાનો પ્લાન હતો - છે! સંસદનું વર્ષા સત્ર ધોવાઈ ગયું. કરોડો રૂપિયાનો વ્યય થયો અને ચર્ચા વિના કેટલાક ખરડા પસાર થયા, પણ મહિલા આરક્ષણ, લોકસભાની સંખ્યા વધારવાનો ખરડો અદ્ધર થયો. સીમાંકન ખરડાને ડીએમકે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ વગેરે પક્ષોનો ટેકો મળવાની ખાતરી હતી અને ટેકો સંસદમાં મળ્યો હોત તો કોંગ્રેસ મોરચાના વાવટા સમેટાઈ ગયા હોત, પણ આંદોલનનો રાજકીય ગેરલાભ લેવામાં રાહુલ ગાંધી સફળ થયા છે. કમસે કમ ભાગીદાર પક્ષો હવે ભાગી નહીં જાય એવી આશા એમને છે! અને તેથી પ્રિયંકા ગાંધી વડરા કહે છે કે, અમારી -વિરોધ પક્ષોની એકતાથી મોદી સરકાર ડઘાઈ ગઈ છે! સંસદના વર્ષા સત્રના આખરી દિવસે રાહુલ ગાંધીએ સંસદ ભવનની નજીકમાં આવેલા વી.પી. હાઉસમાં માવળંકર (સ્વતંત્ર ભારતમાં લોકસભાના પ્રથમ સ્પીકર) હોલમાં જે નવટંકી-તમાશો ભજવ્યો તે એમનાં દાદી-ઇન્દિરાજીને પણ શરમાવે - અથવા ખુશ - ગૌરવ થાય એવો હતો! વડાપ્રધાન મોદીની ઊંઘ હરામ થઈ છે. અમિત શાહ - ચાણક્ય અને સરદાર પટેલ સાથે સરખાવાય છે - પણ આ બધાને `પાગલ' બનાવી દેવાનો પડકાર રાહુલ ગાંધીએ ફેંક્યો છે!

વર્ષા સત્રમાં કામકાજ `બંધ' કરાવી દીધાનો ઘમંડ છે.

હવે પછી અરાજકતાનો પ્લાન કેવો આગળ વધે છે તે જોવાનું છે. ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી - આપખુદશાહી હતી તેની સામે લોકશાહી રીતે વિરોધ થયો ત્યારે એમણે સત્તા બચાવવા દેશભરમાં ઈમર્જન્સી લાદી હતી, પણ રાહુલ ગાંધી જાણે છે - અને એમને આશા છે કે, નરેન્દ્ર મોદી ઈમર્જન્સી જાહેર નહીં કરે - લોકતંત્રમાં ચૂંટણી - જનાદેશ ઉપર જ વિશ્વાસ રાખશે અને જનતા ઉપર પણ વિશ્વાસ છે કે, કાયદો-વ્યવસ્થા તોડવાની તથા સંસદને નિષ્ફળ બનાવીને - બતાવવાની ચાલ નિષ્ફળ બનાવશે.

આપણા 80મા સ્વાતંત્ર્યદિને સૌ ભારતવાસીઓને શુભેચ્છા. લોકતંત્ર અમર રહે.

(જન્મભૂમિનો તંત્રીલેખ)

Panchang

dd