નવી દિલ્હી, તા. 14 : હોકી વિશ્વકપની
બેલ્જિયમ અને નેધરલેન્ડની ધરતી પર 1પ ઓગસ્ટથી શરૂઆત થશે. પહેલીવાર મહિલા અને પુરુષ હોકી વર્લ્ડકપ
એકસાથે રમાશે. ભારતીય મહિલા ટીમ તેનાં અભિયાનની શરૂઆત 16મીએ ચીન વિરુદ્ધ મેદાનમાં ઊતરીને કરશે, જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમ તેની પહેલી મેચ
વેલ્સ વિરુદ્ધ પ્રથમ મેચ રમશે. ભારતીય પુરુષ હોકી ટીમની પાકિસ્તાન વિરુદ્ધની બહુપ્રતિક્ષિત
મેચ 19 ઓગસ્ટે રમાશે.શનિવારથી શરૂ
થનાર મહિલા-પુરુષ હોકી વર્લ્ડકપમાં 16 દિવસમાં પ0 મેચની ટક્કર
થશે. ટૂર્નામેન્ટ નવા ફોર્મેટથી રમાશે અને આ વખતે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ હશે નહીં.
પહેલા ગ્રુપ સ્ટેજ હશે. પછી ક્રોસઓવર પૂલની મેચ રમાશે અને અંતમાં સેમિફાઇનલ અને ખિતાબી
મુકાબલો હશે. તમામ મેચ બે સ્થળ પર રમાશે.
મહિલા અને પુરુષ બન્ને વિભાગમાં 16-16 ટીમ છે. તમામ ટીમને 4-4ના ગ્રુપમાં રાખવામાં આવી છે.
ગ્રુપ સ્ટેજની ટોચની બે ટીમ ક્રોસઓવર રાઉન્ડમાં પહોંચશે. આ રાઉન્ડમાં 8 ટીમને 4-4ના ગ્રુપમાં રખાશે. મહિલા વર્લ્ડકપની ફાઇનલ 29 ઓગસ્ટે અને પુરુષ વિભાગની ફાઇનલ
30 ઓગસ્ટે રમાશે.
પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય ટીમ પૂલ ડીમાં વેલ્સ, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સાથે છે, જ્યારે મહિલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ પણ પૂલ-ડીમાં ચીન, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા સાથે છે. ભારતીય મહિલા હોકી ટીમ હજુ સુધી ચંદ્રક
જીતી શકી નથી, જ્યારે પુરુષ ટીમનો શ્રેષ્ઠ દેખાવ 197પમાં રહ્યો હતો, ત્યારે ભારત હોકી વિશ્વવિજેતા બન્યું હતું.
ગત 2023ના વિશ્વકપમાં ભારતીય પુરુષ
ટીમ નવમા સ્થાને રહી હતી, જ્યારે 2018માં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી
હતી.