નવી દિલ્હી, તા. 14 : લોકસભામાં
વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી
રાહત મળી હતી. અદાલતે હિન્દુત્વ વિચારક વિનાયક
દામોદર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે નોંધાયેલી ગુનાહિત ફરિયાદ
અને જાહેર કરવામાં આવેલા સમન્સને રદ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર
દત્તા અને જસ્ટિસ શીલ નાગૂની બેંચે આ મામલે રાહુલ ગાંધીની અરજી મંજૂર કરી હતી. અદાલતે
પોતાના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું કે, રાહુલ ગાંધી સામે કેસ ચલાવવા માટે કાયદા મુજબ જે જરૂરી મંજૂરી મેળવવી પડતી
હોય છે તે લેવામાં આવી ન હતી. યુપી સરકારનાં સોગંદનામામાં પણ આવી કોઈ મંજૂરીનો ઉલ્લેખ
ન હોવાથી મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરવામાં આવેલો આદેશ રદ કરવામાં આવે છે. આ મામલો 17 નવેમ્બર, 2022નો છે, જ્યારે રાહુલ ગાંધી પોતાની 'ભારત જોડો યાત્રા' દરમિયાન સાવરકર અંગે ટિપ્પણી કરી રહ્યા
હતા. રાહુલ ગાંધીએ સાવરકરને અંગ્રેજોના સહયોગી ગણાવતા દાવો કર્યો હતો કે, તેમને અંગ્રેજો તરફથી પેન્શન મળતું હતું. રાહુલ ગાંધીનાં આ નિવેદન વિરુદ્ધ
વકીલ નૃપેન્દ્ર પાંડેએ સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી
હતી.