નલિયા, તા 14 : નખત્રાણા પીજીવીસીએલ ડિવિઝન
સ્ટોરમાં પોલ અને વીજ સામાનની તીવ્ર અછત તેમજ વહીવટી કનડગતથી ત્રસ્ત કોન્ટ્રાક્ટરોએ
હવે આરપારની લડાઈના મંડાણ કર્યાં છે. કચ્છ-સૌરાષ્ટ્ર કોન્ટ્રાક્ટર એસોસીએશને કાર્યપાલક
ઇજનેરને અલ્ટિમેટમ આપ્યું છે કે, જ્યાં
સુધી 100 ટકા મટીરિયલ નહીં મળે ત્યાં
સુધી કોઈ પણ નવી સ્કીમ કે ઇમર્જન્સી કામગીરી કરવામાં આવશે નહીં. એસોસીએશનના પ્રમુખ
ગોપાલભાઈ માતા અને મંત્રી જયેશભાઈ કોટડિયાએ આક્ષેપ કર્યો છે કે, સામાનના અભાવે મજૂરોને બેઠા પગાર ચૂકવવા પડતા
હોવાથી કોન્ટ્રાક્ટરો આર્થિક પાયમાલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ડી-ટેક-1 વિભાગ દ્વારા ખોટી પૂછપરછ કરી કરાતી હેરાનગતિ, ટખજ પોર્ટલ પર બાલિંગમાં થતો વિલંબ અને નટ-બોલ્ટના
પેમેન્ટ જેવા પડતર પ્રશ્નો અંગે રોષ ઠાલવ્યો છે. જો દસ દિવસમાં વહીવટી સુધારા નહીં
થાય તો નખત્રાણા, કોઠારા, નલિયા,
રવાપર અને દયાપર વિસ્તારના તમામ કોન્ટ્રાક્ટરો કામગીરીનો બહિષ્કાર કરી
હડતાળ પર ઊતરશે તેવી ચીમકી આપવામાં આવી હતી.