નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિ અને વિદેશી નેતાઓને ગળે
લગાવવાની તેમની શૈલી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કટાક્ષ બાદ ભાજપે પલટવાર કર્યો
છે. ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ રાહુલ ગાંધીના નિવેદન બાદ તેમના દાદી અને પૂર્વ વડાપ્રધાન
ઈન્દિરા ગાંધી અને ક્યૂબાના નેતા ફિદેલ કાત્રોના ગળે મળવાની તસવીરો પોસ્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીર સાથે નિશીકાંતે લખ્યૃ હતૃં કે શું રાહુલ
ગાંધી આને પણ ખોટી ભાવના કહેશે. ભાજપ નેતાએ રાહુલ ગાંધીની પણ એક તસવીર દર્શાવી હતી
જેમાં તેઓ લોકસભામાં પીએમ મોદીને અચાનક જ ગળે મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાહુલ
ગાંધીએ પીએમ મોદીની વિદેશનીતિની આલોચના કરી હતી. આ દરમ્યાન તેમણે પોતાની વાત સ્પષ્ટ કરવા મંચ પર જ કોંગ્રેસ નેતા
સંદીપ દીક્ષિતને ગળે લગાવીને પૂછ્યું હતું કે ખબર નહી, કોણે તેમને એવું કહી દીધું હતું કે વિદેશનીતિનો
અર્થ ગળે લગાવવાનો થાય છે.