એક તરફ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સરકાર સામે બળવો
તીવ્ર બની રહ્યો છે, ત્યારે ભારતમાં
સરહદ પારથી આતંકી હુમલાના લોહિયાળ કારસા સતત ચાલુ રહ્યા છે. ગયા સપ્તાહે જમ્મુ અને
કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ શ્રમજીવીઓને તેમનો ધર્મ પૂછીને બે હિન્દુને ઠાર કર્યાના બનાવે પાકિસ્તાનના નાપાક ઈરાદા વધુ એક વખત
છતા કર્યા છે. ગયાં વર્ષે એપ્રિલ મહિનામાં પહેલાગામમાં આતંકીઓએ 24 જેટલા પર્યટકને તેમનો ધર્મ
પૂછીને ઠાર કર્યા હતા. પહેલગામ હુમલાની જેવા જ ગયા સપ્તાહના કુલગામ હુમલાની જવાબદારી
પણ પાકિસ્તાનના તાબા હેઠળના આતંકી સંગઠન ટીઆરએફએ લીધી છે. ટીઆરએફ પ્રતિબંધિત લશ્કર-એ-
તોયબાનો ચહેરો છે. પાકિસ્તાને લશ્કર-એ-તોયબાને મદદ કરીને ટીઆરએફની રચના કરાવી છે. ઈસ્લામાબાદ
પર આતંકીઓને મદદ કરવાના આરોપ તળે એફએટીએફના પ્રતિબંધની તલવાર લટકતી હતી તેવા સમયે ટીઆરએફની
રચના કરાઈ હતી. જોતજોતામાં આતંકનો પર્યાય બની ગયેલા ટીઆરએફનું નામ બિનકાશ્મીરીઓ અને
તેમાં ખાસ તો હિન્દુઓની હત્યામાં કુખ્યાત બની ગયું છે. પહેલગામના હુમલા પાછળ પણ ટીઆરએફનો
હાથ હોવાની હકીકતે તેનો લોહિયાળ ચહેરો વધુ છતો કર્યો હતો. પહેલગામના હુમલા સમયે આરંભમાં
તેણે પોતાની જવાબદારી સ્વીકારી હતી, પણ પાછળથી વૈશ્વિક ટીકાને લીધે તેણે ફેરવી તોળ્યું હતું. તે સમયે પાકિસ્તાનને
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ ટીઆરએફનો બચાવ કરવાની ફરજ પડી હતી. કુલગામના હુમલામાં બે
શ્રમજીવીનાં મોત થયાં છે, પણ જે રીતે ધર્મ પૂછીને આતંકીઓએ તેમને
નિશાન બનાવ્યા તે બતાવે છે કે, પાકિસ્તાન પહેલગામના લોહિયાળ કાંડ
બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારે તબાહી મચાવી હોવાની વાત બહુ જલ્દી વિસરી ગઈ
છે. એમ પણ જણાય છે કે, ઈરાનના મામલે કહેવાતી મદદ કરીને અમેરિકાની
નજીક પહોંચવા મથી રહેલા પાકિસ્તાનનું દુ:સાહસ હવે વધી ગયું છે, પણ ભારતે તેને ઓપરેશન સિંદૂરની યાદ સતત રહે એવાં પગલાં લેતાં રહેવાની ખાસ જરૂરત
છે.