• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ઝંડા અજર, અમર રહેજે

ઉત્સવપ્રિય કહેવાયેલા ભારતના નાગરિકો સામાજિક અને ધાર્મિક ઉત્સવ તો વર્ષોથી અતિ ઉત્સાહપૂર્વક ઊજવે છે, પરંતુ છેલ્લા અડધા દાયકાથી રાષ્ટ્રીય પર્વ પણ સામાજિક ઉત્સવનું સ્વરૂપ લઈ ચૂક્યા છે, તેવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીથી શરૂ થયેલી તિરંગાની પરંપરા વર્ષોવર્ષ પ્રબળ બની રહી છે. `હર ઘર તિરંગા' જેવા સૂત્રો અને `િતરંગાયાત્રા' જેવા આયોજન જન ગણને રાષ્ટ્ર ભાવના સાથે જોડી રહ્યા છે. આ વર્ષે પણ તિરંગાયાત્રાની તૈયારી સમસ્ત દેશમાં પૂરજોશથી ચાલી રહી છે. આ આખા આયામને માત્ર સ્થૂળ ઉજવણી કહેવી તે ભૂલ છે. કારણ કે, નવી પેઢી, દેશની પ્રજામાં એક ચોક્કસ લાગણી તો પ્રગટે જ છે. 2022માં દેશના 23 કરોડથી વધારે ઘરમાં તિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને છ કરોડ લોકોએ રાષ્ટ્ર ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરી હતી. 2023માં સેલ્ફી ફોટોની સંખ્યા 10 કરોડથી પણ વધી ગઈ હતી. ધ્વજનું વેચાણ ઉત્તરોત્તર વધ્યું છે. રાજકોટમાં જ આ વર્ષે રૂા. પાંચ લાખથી વધારે રકમના ધ્વજ ખરીદાયા છે, તો કચ્છમાં પણ તેની ખરીદી વધી છે. 2022માં 30 કરોડથી વધારે ધ્વજ આખા દેશમાં વેચાયા હોવાનો વેપારી સંગઠનોનો અંદાજ હતો. 2013-14માં 0.87 કરોડના ધ્વજ વેચાયા હતા, જ્યારે 2025-26ના વર્ષના અંતે ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાઓના ધ્વજનું વેચાણ 2.35 કરોડ હતું. અહીં રકમ કે રાશિની સંખ્યા પણ એટલી બધી મહત્ત્વની નથી જેટલી દેશ માટે આ બાબત મહત્ત્વની છે. આ પાછળનું મહત્ત્વનું પરિબળ કેન્દ્ર દ્વારા ધ્વજસંહિતામાં બદલાવ કરાયો હોવાનું છે. હવે રાષ્ટ્રીય ધ્વજ દિવસ-રાત ફરકાવી શકાય છે. અલબત્ત, તેના કેટલાક નિયમો પણ બનાવાયા છે, જેથી લોકો આપણા રાષ્ટ્રધ્વજ માટે આદર બતાવી શકે. છેલ્લા ચાર વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન ચલાવાય છે અને લોકો તેમાં સ્વયંભૂ જોડાય છે તે દર્શાવે છે કે, હવે લોકોમાં પ્રબળ દેશભાવના જાગી છે. હવે આપણો ધ્વજ માત્ર નેતાઓ અને સરકારી કાર્યક્રમો પૂરતો મર્યાદિત નથી રહ્યો. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવાય છે. દિલ્હીની પરેડ, ગુજરાતમાં રાજ્ય સ્તરની કે જિલ્લા સ્તરની ઉજવણીઓ સ્કૂલમાં ધ્વજવંદન આ બધું જ ઔપચારિક રીતે થતું. મોટાભાગે આ રજામાં પારિવારિક પ્રવાસ થતા, સરકારી સ્તરે તમામ કાર્યક્રમો પહેલેથી જ ઊજવાતા આવ્યા છે, પરંતુ લોકો પણ આ ઉજવણીમાં સામેલ થાય તેવું વાતાવરણ નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યા પછી ઊભું થયું છે. 9થી 17 ઓગસ્ટ ચાલતું તિરંગા અભિયાન, શહેરો અને ગામોમાં નીકળતી તિરંગાયાત્રા આબાલવૃદ્ધને રાષ્ટ્રચેતના સાથે જોડે છે એ વાત એટલી જ સાચી છે કે, ફક્ત રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી રાષ્ટ્રભક્તિ વ્યક્ત ન થાય, તેના માટે દેશ કાજે કંઈક કરવું પણ જોઈએ, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે, જે થાય છે તે ન થાય. રાજ્યમાં યોજાઈ રહેલી તિરંગાયાત્રાઓ અને તેના માટે નાગરિકો દ્વારા થતી ધ્વજની ખરીદી એ શુભ સંકેત છે. રાષ્ટ્રીય પર્વ પણ દિવાળી અને જન્માષ્ટમીની જેમ ઊજવાય તે લોકશાહીનું બળ છે. ઝવેરચંદ મેઘાણીએ ગાયું હતું,

`તારે ક્યારે કઈક દુલારે, દિલના શોણિત પાયા

પુત્ર વિયોગી માતાઓના નયન ઝરણ ઠલવાયા

ઝંડા અજર, અમર રહેજે, વધ વધ આકાશે જાજે

આ શબ્દો જાણે આખા દેશમાં અત્યારે ગુંજી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd