સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશભરમાં ઉત્સાહ, આનંદ - ઉત્સવનાં વાતાવરણ સાથે ઉચાટ અને ચિંતા
છે ! આ માહોલમાં સરકારે રાષ્ટ્રીય ગાન - વંદે માતરમ્ની આન-શાન-બાન વધારવાની કાનૂની
જોગવાઈ કરી છે : રાષ્ટ્રગીત જનગણમન - જેટલું જ સ્થાન-માન રાષ્ટ્રગાનને મળશે. સંબંધિત
કાનૂનમાં આ સુધારો જરૂરી, અનિવાર્ય હતો. કારણ કે, સેક્યુલરવાદના અંચળા હેઠળ વંદે માતરમ્નું અવમૂલ્યન, અવહેલના
થઈ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રીય મંત્ર બનેલા શબ્દો અને ગાન - વંદે માતરમ્નું
અપમાન ધર્મનાં નામે થાય તે ચલાવી શકાય નહીં. આ ઉપરાંત વિદેશથી અઢળક ફંડ-ફાળા ભારતમાં
એનજીઓ - બિનસરકારી સંસ્થાઓને મળે છે અને તેનો ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદ છે. આપણી
આંતરિક બાબતોમાં દખલગીરી અને રાજકીય અસ્થિરતા પેદા કરવાના પ્રયાસ પણ થાય છે,
તેથી વિદેશી નાણાં ઉપર નિયંત્રણ મૂકવા માટે ખરડો પેશ થયો, પણ ધર્મનાં નામે વિરોધ કરવા માટે મુદ્દો વિપક્ષોને મળ્યો. આખરે આ ખરડો સંયુક્ત
સંસદીય સમિતિના અભ્યાસ માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે. સરકાર વિપક્ષના સહકાર માટે
બાંધછોડ કરવા તૈયાર છે. હવે જવાબદારી વિપક્ષની છે. આમ તો 1976માં કટોકટીમાં સરકાર સામેના
વિરોધનું ગળું ઘોંટી નાખવાના એકમાત્ર આશય સાથે વડા પ્રધાન ઇન્દિરા ગાંધી આ કાયદો લાવ્યા
હતા. એ પછી કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં બે વાર તેમાં સુધારા કરી વધુ કડક કરાયો. જો
કે, આ વખતે કોંગ્રેસ તેનો સૌથી વધુ વિરોધ કરી રહ્યો
છે. કારણ કે, દેશના સૌથી જૂના આ પક્ષની સરકાર ગણ્યાંગાંઠયાં રાજ્યોમાં
છે અને તેમાંથી એક કેરળ છે, જ્યાં ખ્રિસ્તી મિશનરીઓની વટાળપ્રવૃત્તિ
સૌથી વધુ છે. આથી આ કાયદો લઘુમતી વિરોધી હોવાનો દુષ્પ્રચાર કોંગ્રેસ કરી રહી છે. વધુ
એકવાર ધર્મનાં નામે દેશને ગુમરાહ કરવાનો આ પ્રયાસ છે. વિદ્યાર્થી આંદોલનના તાત્કાલિક
કારણમાં ઉચ્ચ પરીક્ષાના પેપર `લીક' થયાં તે છે
પણ આ ઘટના શિક્ષણના ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર હવે અસહ્ય બન્યો તે મુખ્ય કારણ છે. સમાજમાં
શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક બને, નિરંકુશ
બને ત્યારે પતન થાય છે. વડાપ્રધાન મોદીએ આર્થિક, સામાજિક ક્ષેત્રે
ભ્રષ્ટાચાર ડામવાનાં જરૂરી પગલાં ભર્યાં છે, પણ શિક્ષણ ક્ષેત્રના
સુધારા ધ્યાન બહાર રહ્યા છે. રાજધાનીમાં વિદ્યાર્થી આંદોલને સમાજ અને સરકારને ચોંકાવી
દીધી છે અને વડાપ્રધાને જે તાત્કાલિક પગલાં જાહેર કર્યાં છે તેનું પરિણામ આવે તેની
રાહ જોવી જોઈએ. વિદ્યાર્થી આંદોલન વાસ્તવમાં યુવા - જેન-ઝી આંદોલન હતું અને છે. યુવાવર્ગને
નોકરી-ધંધાની ચિંતા છે. શિક્ષિત યુવાવર્ગની બેકારી સરકાર સામે મુખ્ય પડકાર છે. નોંધપાત્ર
બાબત છે કે, આ સમસ્યા અને સંજોગોમાં રાજકારણે ઘણો ભાગ ભજવ્યો
છે. મોદી સરકારે આર્થિક - ઔદ્યોગિક સુધારાની શરૂઆત કરી, ત્યારથી
રાજકીય વિરોધ - અવરોધ શરૂ થયા અને સરકારે પીછેહઠ કરવી પડી. રાજકીય સહકાર મળ્યો હોત
તો કદાચ આજે સ્થિતિ અલગ હોત. રાષ્ટ્રહિત કરતાં પક્ષહિતને આગળ કરવાની વૃત્તિ જ સર્વત્ર
દેખાય છે, એ આપણી કમનસીબી. વિદ્યાર્થી આંદોલનની આગેવાની રાજકીય
નેતાઓએ લીધી, ત્યારે જ સ્પષ્ટ હતું કે, રાજકીય નેતાઓનું લક્ષ્ય શિક્ષણ સુધારા નથી, પણ મોદી સરકારને
હટાવવા માટે તક મળી છે! શિક્ષણપ્રધાનનાં રાજીનામાં પછી ગૃહપ્રધાન અમિત શાહને નિશાન
ઉપર લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ ઉપર `ગોળીબાર' થયા તે
માટે ગૃહપ્રધાનને જવાબદાર ઠરાવીને વિરોધપક્ષોએ સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભા કર્યા
અને ધાંધલ-ધમાલનાં કારણે સંસદનું વર્ષાસત્ર નિષ્ફળ ગયું છે ! ખરેખર શિક્ષણ અને વિદ્યાર્થીઓની
ચિંતા વિપક્ષોને હોત તો સુધારાતરફી વલણ રાખ્યું હોત, માત્ર સંસદમાં
ધમાલ અને પાર્લામેન્ટ પરિસરમાં નૌટંકીથી બચવાની જરૂર હતી. વિરોધ પક્ષોના અસહકારનાં
કારણે લોકસભામાં એક કલાકમાં નવ ખરડા ધ્વનિમતથી પસાર થયા છે ! સંવિધાન અને લોકતંત્રનો
હવાલો આપતા વિપક્ષી નેતા જ લોકતંત્ર અને સંસદની પ્રતિષ્ઠા ઉપર પ્રહાર કરી રહ્યા છે.
ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં હાજર નહીં રહેવાનું કારણ આપ્યું છે - `જો શોરશરાબા - ધાંધલ-ધમાલ જ ચાલતી હોય તો
હાજરી શું કામની ? એમણે વિપક્ષી
નેતાને ચેલેન્જ આપી કે ગૃહમાં આવો, પ્રશ્નો ઉઠાવો, દેશની જનતાને પૂરેપૂરી માહિતી આપવા - તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું,'
પણ ચર્ચા કરવાને બદલે ચર્ચાથી દૂર ભાગતા નેતાઓએ સંસદીય નિયમો - શિસ્ત
પાળવા જોઈએ. છેલ્લાં બાર વર્ષમાં મોદી સરકારે ઘણી કટોકટી જોઈ છે અને કસોટી પાર કરી
છે. હવે યુવાવર્ગ અને મધ્યમવર્ગની નારાજી દૂર કરવાની દિશામાં પગલાં ભરાશે એવી આશા રાખીએ.