• રવિવાર, 16 ઑગસ્ટ, 2026

નલિયામાં મહાદેવની ધાતુ સ્વરૂપે મૂર્તિ

નલિયા, તા. 14 : કચ્છ ગુજરાતના ઘણી જગ્યાએ સનાતનની જગ્યાઓમાં શિવ- શક્તિના મંદિરો એક જ સંકુલમાં હોય છે, પરંતુ નલિયા ગામની વચ્ચે આશાપુરા માતાજીનું ખૂબ જૂનું મંદિર આવેલું છે અને એ જ સંકુલમાં મહાદેવ શંકરના બે મંદિરો ભીડભંજન મહાદેવ તથા હાટકેશ્વર મહાદેવ. વાત કરવી છે, આશાપુરા મંદિરની સામે જ આવેલાં ભીડભંજન મહાદેવ મંદિરની એક વિશેષતાની. 1979ના ચૈત્ર સુદ એકમના દિને નલિયાના પુષ્કર્ણા નારાણદાસ લક્ષમીદાસએ પોતાના સ્વર્ગવાસી માતા મટુબાઇના સ્મરણાર્થે ભીડભંજન મહાદેવના આ મંદિરનું નિર્માણ  કરાવ્યું હતું. આ મંદિરમાં સામાન્ય રીત મુજબ શિવલિંગ, માતા પાર્વતી તથા ગંગાજીની સ્થાપના નિજ મંદિરમાં હોય છે. બહાર નંદી, કાલભૈરવ, ગણપતિ અને હનુમાનજી પણ બિરાજિત છે. પણ અહીં વિશેષ બાબત એ છે કે, મહાદેવની જસત ધાતુની એક અદ્ભુત મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે. અંદાજે ત્રણ ફૂટ ઊંચી અને બે ફૂટ પહોળી આ મૂર્તિમાં મહાદેવને પ્રસન્ન ચહેરે બતાવવામાં આવ્યા છે. ગળે સર્પ, જટામાં ગંગાજી મુખ અને સર્પ, ગરદનમાં મુંડમાળા, જમણા હાથમાં ડમરુ, ડાબા હાથમાં ત્રિશૂલની સાથે મહાદેવના અન્ય આયુધ સાથેની આ મૂર્તિમાં મહાદેવના ચહેરા પર અનન્ય ભાવદર્શન થાય છે. ભારતીય બેઠક અવસ્થાની મૂર્તિ આજે એક સદી પછી પણ મજબૂત છે અને  એ જ ચમક ધરાવે છે. અનેક જગ્યાએ મંદિર અંદર કે બહાર મહાદેવની આ પ્રકારે પથ્થર કે સિમેન્ટની મૂર્તિઓ છે, પરંતુ તપાસ કરતા આ પ્રકારે કોઈ ધાતુ સ્વરૂપની મૂર્તિ કચ્છ ગુજરાતનાં કોઈ મંદિરમાં સ્થાપિત હોય એવું જાણવા મળ્યું નથી. એટલે આ મૂર્તિની સ્થાપના એક વિશેષતા છે, અજોડ ઘટના છે. પૂજારી પરિવારના વિજયગિરિ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વરસો જૂની પરંપરા મુજબ દર વરસે શ્રાવણ વદ દશમના દિને જંગલેશ્વર મહાદેવની શોભાયાત્રાના રથમાં આ મૂર્તિ સ્વરૂપે મહાદેવ આ મંદિરેથી પ્રસ્થાન કરી, નલિયામાં શોભાયાત્રા રૂપે જંગલેશ્વર મંદિરે પહોંચે છે, જ્યાં ચાર દિવસ સુધી આ મૂર્તિ ત્યાં બિરાજિત કરાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મહાદેવના અનેક સ્વરૂપોની ભક્તિ અને આરાધના થાય છે ત્યારે મહાદેવના આ સ્વરૂપનું પણ નલિયા નગર અને આજુબાજુના વિસ્તારના શિવભક્તો માટે અનેરું મહત્ત્વ છે, અદકેરું મહાત્મ્ય છે.

Panchang

dd