ભુજ, તા. 6 : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુરુવારે મોડેલ સ્કૂલ માધાપર
ખાતે બીજા તબક્કાની `જ્ઞાન સહાયક'ની ભરતી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. પ્રથમ
તબક્કામાં દ્વિ-સ્તરીય ટેટ, ટાટ પરીક્ષામાં ઉત્તીર્ણ હોય તેવા
ઉમેદવારોની ભરતી બાદ આજે કોઈ પણ વર્ષમાં આ પરીક્ષાઓ ઉત્તીર્ણ હોય અને 48 વર્ષની ઉંમર મર્યાદા સુધીના
ઉમેદવારોને કચ્છ જિલ્લાની વિવિધ સરકારી અને અનુદાનિત શાળાઓમાં `જ્ઞાન સહાયક' તરીકેના નિમણુંક આદેશો આપવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે
વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા
આજે બીજા તબક્કામાં ફાળવેલા ઉમેદવાર 712 પૈકી માધ્યમિકના 261 અને ઉચ્ચતર માધ્યમિકના 135 ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું હતું, જે પૈકી અનુક્રમે 122 અને 58 એમ એકંદરે 180 જ્ઞાન સહાયકે સ્થળ પસંદગી કરી
હતી. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને હાલના સમય અનુરૂપ શિક્ષણ આપવાનાં કાર્યમાં
સૌ કોઈ જવાબદારી પૂર્વક જોડાઈ જવા નવ નિયુક્ત જ્ઞાન સહાયકોને હાકલ કરી હતી. ઉમેદવારોના
ડોક્યુમેન્ટની ચકાસણી વર્ગ-2 આચાર્ય અને
શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ભરતી નોડલ અધિકારી પૃથ્વીરાજાસિંહ ઝાલાનાં માર્ગદર્શન
હેઠળ કચેરીના સિનિયર ક્લાર્ક બિપિનભાઈ નાગુ અને સમગ્ર વહીવટી ટીમ, મોડેલ સ્કૂલના આચાર્ય વિજયભાઈ કાલરિયા તેમજ
સ્ટાફની જહેમત થકી ભરતી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.