ભુજ, તા. 16 : આગામી 21મી જૂનમાં ઊજવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય
યોગ દિવસની ઉજવણીના આરંભે અહીંના સ્મૃતિવન ખાતે આયુષ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય નેચરોપથી ઓર્ગેનાઈઝેશન તથા એનસીસીના
ગુજરાત નેવલ યુનિટના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ શિબિરનું
આયોજન કરાયું હતું. આ શિબિરમાં નેચરોપથી ઓર્ગેનાઈઝેશન, આયુષ મંત્રાલય
સાથે જોડાયેલા યોગસાધકો, ગુજરાત યોગ બોર્ડના કોચ-ટ્રેઈનર,
સાધકો તથા એનસીસી ગુજરાત નેવલ યુનિટના કેડેટસ તથા આર્મી જવાનો વગેરે
ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પુનિતવનની યોગ ટીમ, સ્મૃતિવન ફેન
ક્લબ તથા શહેરના અગ્રણીઓ પણ સહયોગી બન્યા હતા. `સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' એ થીમ સાથે ઊજવવામાં આવનાર યોગ દિવસની પહેલાં
યોજાયેલ યોગ અભ્યાસ શિબિરમાં નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતી સંયોજક તથા ગુજરાત રાજ્ય
યોગ બોર્ડના જિલ્લા કો-ઓડિનેટર વિજયભાઈ શેઠ, યોગ પ્રશિક્ષક નરેન્દ્ર
વાઘેલા, યોગેશ વાઘેલા દ્વારા યોગ પ્રશિક્ષણ અપાયું હતું. એનસીસી
યુનિટ દ્વારા પ્રશિક્ષકો તથા મહેમાનોનું સ્મૃતિચીહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું.
સમગ્ર આયોજન ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા કરાયું હતું.