રાપર, તા. 11 : ગ્રામ્ય સેવા સંગઠન, રાપર ખાતે મહારાવ પ્રાગમલજી ત્રીજા એન્ડ પ્રીતિદેવી
ઓલ્ડ એજ હોમ ફોર મેન્ટલી ઈલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આધુનિક સુવિધાઓથી મનોરોગી વૃદ્ધોની સારી રીતે સારસંભાળ લઈ શકાશે.
મુક્તાબેન ભાવસાર અને મહંત રાજેન્દ્રપ્રસાદજીના હસ્તે ખાતમુહૂર્ત
કરાયું હતું. આ અત્યાધુનિક ઓલ્ડ એજ
હોમમાં 50 મનોરોગી વૃદ્ધ માટે રહેવાની, પૌષ્ટિક આહાર, તબીબી સારવાર,
માનસિક સ્વાસ્થ્યની સંભાળ, ફિઝિયોથેરાપીની સેવા-સુવિધાઓનો
સમાવેશ થશે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ અતિ પછાત વિસ્તારમાં વસતા મનોરોગી વૃદ્ધોને ગૌરવપૂર્ણ
અને સુરક્ષિત જીવન જીવવાની તક આપવાનો હોવાનું સંચાલક શૈલેષભાઈ કોઠારીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યના પ્રતિનિધિ વિનુભાઈ થાનકી, ડોલરભાઈ ગોર,
કેશુભા વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, નરાસિંહભાઈ, ધનાભાઈ કોરાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
નૂતન ત્રંબૌના પ્રવીણભાઈ કરમણ ગાલા, રવિન્દ્રભાઈ સંઘવી,
વાડીલાલભાઈ સાવલા વસંતભાઈ સંઘવી, નરાસિંહભાઈ કરમણ
ગાલા અને વેલજીભાઈ વાવિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસ્થાના ટ્રસ્ટીઓ હાજાભાઈ, શૈલેષ કોઠારી, દિનેશભાઈ કારોત્રા અને બહાદુર પરમારે કચ્છના મહારાણી પ્રીતિદેવીને રૂા. 54 લાખ (ચોપન લાખ)ના મહત્ત્વપૂર્ણ
અનુદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રેરક રવિન્દ્રભાઈ, મણીલાલભાઈ સંઘવીનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો
હતો. મહારાણી પ્રીતિદેવીજીએ અતિ પછાત વાગડ પંથકમાં આવેલા આ ઓલ્ડ એજ હોમ દ્વારા માનવસેવા
અને કરૂણાના એક નવા અધ્યાયની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય
સેવા સંગઠન છેલ્લા 24 વર્ષથી વિકલાંગ, મનોરોગી અને વૃદ્ધોની સેવામાં સમર્પિત છે. તાજેતરમાં
જ કચ્છમિત્ર દ્વારા વિશ્વ એનજીઓ દિવસે આ સંસ્થાને પુરસ્કૃત કરાઈ હતી. નવા પ્રોજેક્ટ
સાથે સંસ્થા વધુ વ્યાપક અને વ્યવસ્થિત સેવા કરી શકશે એવું શૈલેષભાઈ કોઠારીએ જણાવ્યું
હતું.