ગાંધીધામ, તા. 9 : શહેરના વોર્ડ-8ના કોર્પોરેટર દ્વારા
વરિષ્ઠ નાગરિક પરિષદની રચના સાથે વયસ્ક નાગરિકોના અનુભવ અને માર્ગદર્શન થકી વોર્ડમાં
વિકાસકાર્યો કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. વોર્ડ નં.-8ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મીનુબેન ગોયલે બેઠક યોજી કહ્યું હતું કે, વરિષ્ઠ
નાગરિકો સમાજની અમુલ્ય ધરોહર છે અને તેમના અનુભવોના આધારે વિકાસકાર્યોને વધુ અસરકારક
બનાવી શકાય છે. તેમણે બેઠકમાં રજૂ થયેલી સમસ્યાઓ, સૂચનોને પ્રાથમિકતાના
ધોરણે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ વેળાએ
વોર્ડ સ્તરે વરિષ્ઠ નાગરિક પરિષદની રચનાના પ્રસ્તાવનો તમામ નાગરિકોએ સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો. આ પરિષદ દ્વારા ભવિષ્યમાં વોર્ડ નં.-8ના નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેનાં
સૂચનોને યોગ્ય સ્થાન આપવામાં આવશે, સ્વચ્છતા, આરોગ્ય,
પીવાનું પાણી, રસ્તા, સ્ટ્રીટલાઈટ, બગીચાઓની જાળવણી
સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી. બેઠકમાં
ડેપ્યૂટી મેયર નવીન જરૂ, શહેર ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી
મહેન્દ્રસિંહ જુણેજા, કોર્પોરેટર ધનજી હુબંલ, એ.કે. સિંહ, સુધરાઈના પૂર્વ પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ ઉપસ્થિત રહી વરિષ્ઠ નાગરિકોનાં સૂચનને
સાંભળી વિકાસકાર્યોમાં પુરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.