• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

માંડવી તાલુકાના જળાશયો છલકાતાં જગતનો તાત ખુશ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 9 : તાજેતરના વરસાદને પગલે તાલુકાના જળાશયો નવાં નીરથી છલકાતાં ખેડૂતો આનંદિત બન્યા છે. તો રસ્તા ધોવાણ સહિત સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. દબાણ નબળું પડતાં મેઘરાજાના મૂકાણ થકી આજે સવારથી સૂરજદાદાના દર્શન થયા તેની સમાંતરે શહેર, પંથકના મહત્ત્વનો જળસંગ્રહ સ્રોત `રામસાગર' ડેમ આજે વહેલી સવાર સુધીમાં મોસમમાં ત્રીજી વેળા છલકાઇ ગયો છે. રુકમાવતી પટ ઉપર દાદાની દેરી સામે આવેલો ક્ષાર નિયંત્રણ આડબંધ પણ ઊભરાતાં રુકમાવતી નદી નવીનવેલી પરણેતરની અસાએ સાગર મિલન તરફ ધીમી પણ રુમઝૂમ વહી રહી છે. તાલુકાના ગામડાઓમાંના જળાશયોમાં નવા પાલર પાણીનો ઇજાફો થવાથી ધરતીપુત્રો અને માલધારીઓમાં રાજીપો જાણવા મળ્યો હતો. શહેરમાં રસ્તા વિસ્તરણના ખોદાણો અને માંડ થાગડથિગડ પૂરાણો પાછા પાધારા થતાં નાગરિકોની હાડમારીના ઉધામા વચ્ચે વરુણદેવતાએ વિરામ લીધા પહેલાં રાત્રે ઝરમર સ્વરૂપે ધરતી પલાળી. રુકમાવતી પટ પ્રદેશ ઉપર નાની-મોટી રાયણના સીમાડાને સ્પર્શતો ચારેક કિ.મી. લંબાઇ ધરાવતો `રામસાગર' છલકાયો છે. પાણી પુરવઠાનો હવાલો સંભાળનાર નવીનભાઇ જોશીએ આપેલી વિગતો પ્રમાણે સદરહુ ડેમવાળા કલવાણ વિસ્તારમાં 16 બોર પેયજળ પુરવડા અર્થે છે. આ પૈકી એક બોર ડેમના છેવાડે છે જ્યારે બાકીના તમામ હાલ ડૂબમાં છે. આમાંથી 8 બોર ચાલુ છે. શહેર માટે રોજ દસેક એમ.એલ.ડી. પાણીની ખપતમાંથી ત્રણ એમ.એલ.ડી. એટલે કે 30 લાખ લિટર પુરવઠો નર્મદા દ્વારા મળે છે જ્યારે 6થી સાડા છ મિલિયન લિટર પાણી સ્થાનિક બોર-સ્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પણ પાલિકાના પાંચ બોર હયાત છે. `રામસાગર' ઉપરવાસમાં વધારે વરસાદ થકી આઠ ઇંચ ઉપરથી ઓવરફલો થઇ રહ્યો છે. નવેક ફૂટની ઊંડાઇ ઉક્ત જળાશયની જણાવાઇ હતી. જનસેવક નરેનભાઇ સોનીએ ઉપરોક્ત જળાશયો અને સરિતાને શહેરના શણગાર તરીકે ઉપમા આપી હતી. નીલકંઠ સોસાયટીથી અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જ્યાં રસ્તાના ખોદાણો ત્રાસદાયી બન્યા હોવાની રાડ વાહનચાલકોએ કાઢી હતી. નદીઓમાં નવચેતન, જળાશયોમાં નવાં નીર ઠલવાતાં પશુપાલકો, કિસાનો વર્ષને વધાવવા જેવું મૂલવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ તૂટફૂટની વિગતો સામે આવી છે. આ વચ્ચે ટોપણસરમાં ડોકિયું કરવા શહેરી આવ આવી હોવાની જાણકારી છે. 

Panchang

dd