• બુધવાર, 02 જુલાઈ, 2025

કાઠડામાં હરિસાહેબ પ્રાગટય દિનની ઉજવણી

કાઠડા (તા. માંડવી), તા. 1 : કચ્છી નવું વર્ષ આષાઢી બીજ અને કચ્છના સંત હિંગરિયાના હરિસાહેબ બાપુના પ્રાગટય દિવસની ઉજવણી આ ગામે વજા ભગત સ્થાપિત હરિસાહેબ રામકથા ભવનમાં હિંગરિયા આશ્રમના મહંત કલ્યાણદાસજી બાપુની ઉપસ્થિતિમાં ભાવભેર કરાઇ હતી. પ્રારંભે આરતી બાદ અરજણભાઇ કાનાણી, પૂંજાભાઇ સાખરા, બટુકસિંહ જાડેજા, કેતનભાઇ મિત્રી (ગઢશીશા), પાર્થ ગઢવી, જગદીશ ગઢવી સહિતના કલાકારોએ સંતવાણીના સૂર રેલાવ્યા હતા. સંતો દ્વારા ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બીજનો ચંદ્ર પૂનમ તરફ ગતિમાં રહે છે તેમ જીવનમાં પણ બીજના ચંદ્રની જેમ  પ્રભુ ભકિતમાં જોડાઇ જાઓ, તો પ્રભુની નજીક પહોંચી જવાય છે. બીજના દિવસે ભજન સમ્રાટ નારાયણ બાપુ, કાઠડાના લાછબાઇમા સહિતના સંતોનો અવતરણ દિવસ છે તેમને પણ યાદ કરાયા હતા. સંતોની ભાવ વંદના કરાઇ હતી. કાર્યક્રમમાં રામકૃષ્ણ કુટિર કાઠડાના વિરમ બાપુ, અગ્રણી મોહનભાઇ કારિયા, મધુભાઇ કારિયા, ભારૂ લાખુ, કરશનજી જાડેજા (મકડા), હરિસંગજી જાડેજા, પુનશી પાસ્તા, સહિતના હાજર રહ્યા હતા. સંચાલન રમેશભાઇ ગઢવી (પત્રકાર)એ કર્યું હતું. 

Panchang

dd