• શુક્રવાર, 20 જૂન, 2025

પાવરપટ્ટીના માર્ગે ભારે વાહનોની દાદાગીરી

નિરોણા (પાવરપટ્ટી), તા. 19 : પાવરપટ્ટીના પાલનપુરા-ઝુરા વચ્ચે ઊભી થતી ખાનગી સોલાર કંપની નજીક રોડની બંને બાજુએ આડેધડ ભારેખમ વાહનો પાર્કિંગ થયાં પછી રસ્તા વચ્ચેથી નીકળતાં નાનાં-મોટાં વાહનો માટે ભારે પરેશાની ઊભી થઇ છે, ત્યારે અહીં સુધી પોલીસ તંત્ર પહોંચી મનમાની કરી ટ્રાફિકના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરતા આવાં વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પંથકના લોકોમાં માંગ ઊઠી છે. પાલનપુર (બાડી) અને ઝુરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી એક ખાનગી સોલાર વીજ કંપની ઊભી કરવાની કામગીરી ધમધોકાર ચાલે છે. પાલનપુર-બાડીથી આગળ ઝુરા સુધી ભુજ તરફ નીકળેલા રસ્તાની બંને બાજુની ખેડવાણ જમીનોમાં સોલાર પ્લેટો ઊભી કરવાની કામગીરી મોટાપાયે ચાલી રહી છે. સોલાર સામગ્રીથી ભરેલા મોટાં-મોટાં વાહનો રોડની બંને સાઇડમાં લાંબી-લાંબી લાઇનો સાથે અડચણરૂપ બની ઊભાં રહે છે, જેને લીધે બંને બાજુએ પાર્કિંગ થયેલાં વાહનો વચ્ચેના રોડ પરથી પસાર થતા અનેક નાનાં-મોટાં વાહનોને અવરજવર માટે મોટી અસર થાય છે. ખાસ કરીને રાત્રિના ભાગે આ વાહનોનો ખડકલો યમદૂત સમાન બની શકે છે. નાગરિકોના જણાવ્યા મુજબ સૌરઊર્જા એકમ પાસે સિક્યુરિટીની સગવડ હોવા છતાં આવાં વાહનોનાં યોગ્ય પાર્કિંગ માટે કોઇ કાર્યવાહી થતી નથી, ત્યારે આ વિસ્તારના લોકોની સલામતી સાથે સંકળાયેલા પોલીસ વિભાગ અહીં સુધી પહોંચી આ કંપનીનાં વાહનોની દાદાગીરી સામે ધાક બેસાડતી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આ જ કંપની સાથે સંકળાયેલું મોટું વાહન માલ-સામગ્રી ભરી ઝુરા ગામના ભરચક રહેણાક વિસ્તારમાંથી નીકળી કેનાલના પુલ પરથી પસાર થાય છે, ત્યારે જ ભારે વજનને લઇ પુલ તૂટી પડતાં ટ્રક કેનાલમાં ઊંધી પડી જતાં જાનહાનિ તો ટળી પરંતુ વાહન, સામગ્રી અને પુલને મોટી નુકસાની થઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd