ભુજ, તા. 19 : સસ્તું સોનું અને એકના ડબલ-ત્રણ
ગણા કરવાની લાલચ આપતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી છેતરપિંડીની જાળ બિછાવનારા
બે શખ્સને એલસીબીએ રંગે હાથ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ બે પૈકી એક આરોપી
અકબર સામે આજે જ અન્ય એક 60 લાખની ઠગાઈના
ત્રણ આરોપીમાંનો અકબર પણ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ડીવાયએસપી ડી.ડી. સિમ્પીએ
પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીને ખાનગી બાતમીને આધારે અકબર અબ્બાસ કેવર (રહે. ગાંધીનગરી, ભુજ) અને ફૈઈમ અબ્દુલગની ચાકી (રહે. આત્મારામ સર્કલ પાસે, જૂની બકાલી કોલોની, ભુજ)ને અકબરના નાગોર રોડ સ્થિત ફાર્મહાઉસ
ખાતેથી ગઈકાલે ઝડપી બન્નેના મોબાઈલ તપાસતાં તેમાં અકબરે ફેસબુકમાં મહેશ સોનીનાં નામની
આઈ.ડી. બનાવીને તથા ફૈઈમે ભાવેશ સોનીનાં નામની ઈન્સ્ટાગ્રામમાં આઈ.ડી. બનાવી હતી. આ
આઈ.ડી.માં સસ્તાં સોનાંનાં બિસ્કિટ તથા ભારતીય ચલણની રૂા. 500ની નોટના વીડિયો બનાવી વાયરલ
કરી છેતરપિંડી માટે જાળ બિછાવી રહ્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી આ રીતે ઠગાઈનો પ્રયાસ
થતો હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપીને ત્રણ મોબાઈલના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન
પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને રિમાન્ડની માંગ સાથે
કોર્ટમાં રજૂ કરી તેમણે કોના-કોના અને કેટલા લોકો સાથે આ રીતે ઠગાઈ કરી હતી તેની વિગતો
જાણવા મળશે તેવું શ્રી સિમ્પીએ જણાવ્યું હતું. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પી.એસ.આઈ. જે.બી. જાદવની સૂચના-માર્ગદર્શન હેઠળ
એ.એસ.આઈ. નીલેશભાઈ ભટ્ટ તથા રણજિતસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીનાં પગલે આ કાર્યવાહી
થઈ હતી.