• શુક્રવાર, 20 જૂન, 2025

ગાંધીધામમાં `..તમારા ખાતાંમાં પૈસા મોકલાવ્યા..' કહી ઠગાઈ આચરાઈ

ગાંધીધામ, તા. 19 : શહેરમાં રહેતા એક વૃદ્ધાને તેમના ખાતામાં એક લાખ મોકલાવ્યાનો ક્રીનશોટ મોકલાવી ઠગબાજ ટોળકીએ તેમની પાસેથી રૂા. 65,000 પડાવી લીધા હતા. શહેરના સેક્ટર-1, ઉમિયા મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સુઝલોન કંપનીમાંથી નિવૃત થયેલા ફરિયાદી બટુક તુલસી વાજા હાલમાં પ્રાઈવેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. ફરિયાદી તેમની કચેરીએ ગત તા. 20/2ના હાજર હતા, ત્યારે અજાણ્યા નંબરથી ફોન કરી ઠગબાજે હું તમારો મિત્ર કેપ્ટન શર્મા બોલું છું. મારા નંબર બદલી ગયા છે. તમારા ગામથી માંડવી કેટલું દૂર છે? ત્યાંથી એક ભાઈ મને પૈસા મોકલાવે છે, પરંતુ તે આવતા નથી. તમારા નંબર આપું છું તેમાં તે વ્યક્તિ પૈસા મોકલાવશે કહી ભોગ બનનારાને રૂા. 64,000 તથા રૂા. 35,000 મોકલાવ્યા હોવાનો ક્રિનશોટ મોકલાવ્યો હતો. જેથી ફરિયાદીને એમ કે તેમના ખાતામાં પૈસા આવી ગયા છે. બાદમાં આ શખ્સે ફરિયાદીને તે પૈસા પોતાનાં ખાતામાં નાખવા કહ્યું હતું. ભોગ બનનારે રૂા. 5000 અને રૂા. 60,000 ઠગના ખાતામાં નાખ્યા હતા. બાદમાં પોતાનાં બેંક ખાતામાં તપાસ કરતા પૈસા જ ન હોવાનું અને પોતે છેતરાઈ ગયાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd