• શુક્રવાર, 20 જૂન, 2025

કંડલા કસ્ટમનો હેડ હવાલદાર લાંચ લેતા ઝડપાયો

ગાંધીધામ, તા. 19 : કંડલા કસ્ટમમાં હેડ હવલદાર તરીકે ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીએ કંડલા પોર્ટના ગેટ પરથી વાહનો બહાર કાઢવાની અવેજીમાં રૂા. 9850ની લાંચ માગતાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ આ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો હતો. કંડલા કસ્ટમ હાઉસની સામે સાગર હનુમાન મંદિર પાસે રોડ પર આજે સવારે એ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં કસ્ટમના હેડ હવલદાર એવા જીજ્ઞેશ કેશવજી બળિયાને આબાદ ઝડપી લીધો હતો. આ પ્રકરણના ફરિયાદીની કંપની માલ સામાનને કસ્ટમથી ક્લીયરન્સ કરાવી પોર્ટ પરથી માલ ટ્રકો મારફત અંદર-બહાર મોકલતા હતા. ફરિયાદી કંપનીમાં ઓપરેશન ઇન્ચાર્જ હોવાથી દીનદયાળ પોર્ટના ગેટ પર કસ્ટમના કર્મચારી એવા જીજ્ઞેશ બળિયાએ એક ટ્રકને ગેટ બહાર કાઢવાના રૂા. 50 લેખે 197 ટ્રકની રૂા. 9850ની લાંચ માગી હતી. આ કર્મીએ બે દિવસ પહેલાં ફરિયાદી પાસે લાંચની રકમની માંગ કરી હતી પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ગાંધીધામ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને આ ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી.એ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દરમ્યાન, આજે સવારે કસ્ટમ કર્મીએ ફરિયાદીને હેતુલક્ષી વાત કરી હતી અને હનુમાન મંદિર પાસે આવી લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી.એ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચ રૂશ્વત વિરોધી આ કાર્યવાહીના પગલે કસ્ટમના પલળેલા કર્મચારીઓમાં ફફડાટ પ્રસર્યો હતો. વર્ષ 2024માં એ.સી.બી.એ કાસેઝના ગેટ પર પણ કસ્ટમના કર્મીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. દરમ્યાન, આજે ફરીથી કસ્ટમ કર્મી ઝડપાતાં આ વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાનું સમજાય છે. આજની આ કાર્યવાહીમાં એ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એલ. એસ. ચૌધરી તથા ટીમ જોડાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd