ભુજ, તા. 19 : બાડા-બાયઠ રોડની હાલત અતિ બિસમાર
બની છે. `આ રસ્તામાં ખાડા છે તેના કરતાં ખાડામાં
ક્યાંક રસ્તો દેખાય છે' કહેવું વધુ
ઉચિત છે તેવું લોકો કટાક્ષમાં કહી રહ્યા છે. પંથકના વાહનચાલકો અને લોકોમાં ખરાબ માર્ગને
કારણે ભારે આક્રોશ છે. છેલ્લાં અનેક વર્ષોથી બાડા-બાયઠનો રસ્તો નવા રોડનું કામ માંગે
છે. બાડા, માપર, બાંભડાઇ, મોડકૂબા, વીઢ સહિતનાં ગામડાંઓને અબડાસા જવા માટે બાયઠ-નલિયા
નેશનલ હાઇવે નંબર-8 સુધી પહોંચવા
માટે આ જ માર્ગ પરથી ફરજિયાત પસાર થવું પડે છે. વળી,
આ ગામના લોકો દવા માટે ભોજાય હોસ્પિટલમાં અવરજવર માટે આ જ માર્ગનો ઉપયોગ
કરે છે. અનેક ગામડાઓને અસર કરતો આ પાંચ કિ.મી.નો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી નધણિયાતો
છે, તેવો રોષ સ્થાનિકો ઠાલવી રહ્યા છે. બે વર્ષ પહેલાં આ જ રોડ
પર મોટા ખાડાઓને કારણે બાડાના આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યાની ઘટના બની હતી. હજુ પણ
દ્વિચક્રી વાહનો માટે આ રસ્તાના ખાડાઓ મોતના કૂવા જેવા બની ગયા છે, જેના કારણે રાત્રે તો ઠીક દિવસે પણ વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. બાડાની
વેગડી નદીનું પાણી જ્યારે નવનિર્મિત પુલ પરથી પસાર થાય છે, ત્યારે
આ ગામડાંઓમાં ચોમાસામાં મેડિકલ ઇમરજન્સી પડે છે તે સમયે માંડવી-ભુજની મેડિકલ સુવિધાઓ
સુધી પહોંચવા બાડા-બાયઠ જ એકમાત્ર માર્ગ છે. તંત્રની બેદરકારીનો ભોગ લોકોને ન બનવું
પડે તે માટે આગેવાનોએ વખતો વખત ધારાસભ્ય, સંસદ સભ્ય અને માર્ગ-મકાન
કચેરીનું ધ્યાન દોર્યું હોવા છતાં સમસ્યાનો નીવેડો આવ્યો નથી. ટૂંક સમયમાં માર્ગનું
નવીનીકરણ અથવા સમારકામ નહીં થાય, તો મોટો અકસ્માત થાય તેવી ભીતિ
સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી.