• શુક્રવાર, 20 જૂન, 2025

માંડવી શહેરની વિવિધ સમસ્યા માટે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને ઘેરાવ

કોડાય (તા. માંડવી), તા. 19 : માંડવી નગરપાલિકા ખાતે શહેર-તાલુકા કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ લોકપ્રશ્નો તેમજ મધ્યાહ્ન ભોજન, જૂના વાસણોની ઉચાપત, પાણી-ગટર સમસ્યા સહિતની રજૂઆત દરમ્યાન ઉગ્ર વિરોધ સાથે ઘેરાવ કરાયો હતો. કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવીએ નગરપાલિકામાં ભ્રષ્ટાચારયુક્ત શાસન હોવાના આક્ષેપો કર્યા હતા અને શહેરીજનોને પડતી મુશ્કેલી વિશે જણાવ્યું હતું. તાજેતરમાં થોડા વરસાદમાં બાબાવાડીમાં વરસાદી નાળું ધરાશાયી થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. મોન્સૂનની ગ્રાન્ટ આવી ગઇ હોવા છતાં કામ પૂરું ન થયું હોવાની ફરિયાદ કરાઇ હતી. માંડવી તા.પં.ના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ પાણી, ગટર તેમજ તળાવ ડેવલપમેન્ટ અંગેના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ભ્રષ્ટાચાર બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પગલે સત્તાધીશો દ્વારા વિવિધ પ્રશ્ને નક્કર કામગીરી કરવામાં આવે તેવો આક્રોશ  વ્યક્ત કરાયો હતો. વિરોધ પક્ષના ઉગ્ર વિરોધને પગલે વાતાવરણ ગરમાયું હતું અને પોલીસને કોંગ્રેસના કાર્યકરોની અટક કરવાની ફરજ પડી હતી. કોંગ્રેસના આગેવાનોની અટકાયત બાદ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. આ ઉગ્ર રજૂઆતમાં કાર્યકારી પ્રમુખ અકબર મંધરા, પુનિત જોષી, આદમભાઇ થૈમ, કલ્પનાબેન જોષી, અબ્દુલ આગરિયા, આસીફ સુમરા, ઉમર ભટ્ટી, ભાવનાબેન ગોસ્વામી જોડાયા હતા. ચીફ ઓફિસર જિજ્ઞેશ બારોટને રજૂઆતો કરી હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd