રશિયાની અમેરિકાને ધમકી : છેટા રહેજો : નવી દિલ્હી, તા. 19 : ઈઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતરનાક વળાંક પર આવીને
ઊભું છે. આ ઘર્ષણમાં હવે રશિયા પણ પ્રવેશી ગયું છે. રશિયાએ ઇરાનને ટેકો આપવાની સાથે
અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી છે. રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે અમેરિકાને
ઇઝરાયલને સીધી લશ્કરી સહાય આપવા સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, `અમે વાશિંગ્ટનને
આવા કાલ્પનિક વિકલ્પો સામે પણ ચેતવણી આપીએ છીએ. આ એક એવું પગલું હશે જે સમગ્ર પરિસ્થિતિને
સંપૂર્ણપણે અસ્થિર કરશે.' આ પગલું અત્યંત
ખતરનાક હશે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે,
ઈરાની પરમાણુ માળખાં પર ઇઝરાયલી હુમલાનો અર્થ એ છે કે, વિશ્વ વિનાશથી થોડા મિલિમીટર દૂર છે. દરમિયાન, રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિને ગુરુવારે ઇઝરાયલ અને અમેરિકા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી
ખોમૈનીને મારી નાખશે તેવી શક્યતા અંગે ચર્ચા કરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું
કે, ઈરાની લોકો તેહરાનમાં નેતૃત્વની આસપાસ એક થઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ અને તેમના રશિયન સમકક્ષ
વ્લાદિમીર પુતિને ગુરુવારે ઈરાન પર ઇઝરાયલી હુમલાઓની કડક નિંદા કરી તાત્કાલિક યુદ્ધવિરામની ખાસ કરીને ઇઝરાયલ દ્વારા
અને નાગરિકો પર હુમલા બંધ કરવાની હાકલ કરી હતી. ફોન પર વાત કરતાં શીએ પુતિન સાથે ઇઝરાયલ-ઈરાન
સંઘર્ષ અંગે ચર્ચા કરી અને કહ્યું કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષનાં
સમાધાન માટે યુદ્ધવિરામ એક તાત્કાલિક પ્રાથમિકતા છે અને બળનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વિવાદોને
ઉકેલવાનો યોગ્ય માર્ગ નથી. ક્રેમલીનના વિદેશનીતિ સહાયક યુરી ઉષાકોવે મોસ્કોમાં જણાવ્યું
હતું કે, બંને નેતા સમાન વલણ ધરાવે છે અને `યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના
અન્ય ધોરણોનું ઉલ્લંઘન કરતી ઇઝરાયલની કાર્યવાહીની સખત નિંદા કરે છે.' ચીનના વિદેશ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવાયું
છે કે, ટેલિફોનિક વાતચીત દરમિયાન, શીએ સંઘર્ષ
કરી રહેલા પક્ષોને ખાસ કરીને ઇઝરાયલને, શક્ય તેટલી વહેલી તકે
ગોળીબાર બંધ કરવા વિનંતી કરી. - હવે ખોમૈની નહીં
બચે : ઈઝરાયલની ચેતવણી : તેહરાન/તેલ અવીવ, તા. 19 : `માણસાઇના
દુશ્મન' સમાન યુદ્ધ ભયાનક બનતું જઇ રહ્યું છે. લોહિયાળ
લડાઇના સાતમા દિવસે ગુરુવારે ઇરાને ચાર ઇઝરાયલી શહેર તેલ અવીવ, બીર્શેબા, રમતગણ અને હોલોન પર મિસાઇલ હુમલા કર્યા હતા.
એક હોસ્પિટલ પર હુમલામાં 176 લોકો ઘાયલ
થયા હતા. આ હુમલાઓથી વિફરેલાં ઇઝરાયલે ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું હતું કે, `આધુનિક હિટલર' ખોમૈનીને જીવવાનો અધિકાર નથી. અમે ઇરાની નેતાનું
અસ્તિત્વ ખતમ કરી નાખશું. અમેરિકા આગામી 24 કલાકમાં ઇરાન પરના હુમલામાં સામેલ થાય તેવી ઇઝરાયલને અપેક્ષા
છે. ઇરાને 30 મિસાઇલ છોડી હતી, જેમાંથી સાત મિસાઇલે ઇઝરાયલી સ્ટોક એક્સચેન્જની
ઇમારત તેમજ બીર્શેબા સ્થિત હોસ્પિટલ સહિત મહત્ત્વનાં સ્થળોને નુકસાન પહોંચાડયું હતું, જેને પગલે હડકંપ મચી ગયો હતો. ઇઝરાયલે પણ વળતા પ્રહારમાં ઇરાનના નતાંજ,
ઇસ્ફહાન અને અરાક પરમાણુ પ્લાન્ટ પર હુમલા કર્યા હતા. ઇઝરાયલી સંરક્ષણદળ
(આઇડીએફ)એ એવો દાવો કર્યો હતો કે, અમારાં વાયુદળે છોડેલાં ડ્રોનથી
ઇરાનના ડઝનબંધ સૈનિકો માર્યા ગયા હતા. આ દાવાનાં સમર્થનમાં આઇડીએફ તરફથી હુમલાનો વીડિયો
જારી કરાયો હતો. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખોમૈનીએ કહ્યું હતું કે,
અમેરિકા પાસે મદદ માગવી એ જ ઇઝરાયલની કમજોરીની નિશાની છે. ઇઝરાયલના વડાપ્રધાન
બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, ઇરાનમાં ખોમૈની સહિત
કોઇ જ સુરક્ષિત નથી. અમે ખોમૈની પર હુમલાની સંભાવનાનો ઇન્કાર નહીં કરીએ. ઇઝરાયલ પાસે
સમગ્ર મિશનને એકલા હાથે અંજામ આપવાની તાકાત છે. આ લડાઇથી બધાનું નુકસાન થઇ રહ્યું છે.
ઇઝરાયલના સંરક્ષણમંત્રી કાટ્ઝે ખુલ્લી ચેતવણી આપતાં કહી દીધું હતું કે, ખોમૈનીને ખતમ કરવા જ જંગનું લક્ષ્ય છે. અત્યાર સુધી ઇઝરાયલમાં 24 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે,
તો અમેરિકા સ્થિત માનવ અધિકાર જૂથના દાવા મુજબ ઇરાનમાં 639થી વધુ લોકો જીવ ખોઇ ચૂક્યા
છે, તો 1339થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે.