• ગુરુવાર, 19 જૂન, 2025

પાક સામે રમીને ભારત છેડશે મહિલા વિશ્વકપ અભિયાન

દુબઇ, તા. 18 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડ કપ-2026માં તેની પ્રથમ મેચ 14 જૂને એજબેસ્ટનમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આઇસીસીએ ગઇકાલે 2026નો મહિલા ટી-20 વિશ્વકપનો કાર્યક્રમ લગભગ એક વર્ષ અગાઉ જાહેર કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં 12 ટીમ ભાગ લેશે. 24 દિવસ ચાલનાર વિશ્વકપની શરૂઆત 12 જૂનથી થશે અને પાંચ જુલાઇએ ફાઇનલ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર 12 મહિલા ટીમ બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ વનમાં ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, ભારત, પાકિસ્તાન અને બે ક્વોલિફાય ટીમ હશે. ગ્રુપ ટુમાં વર્તમાન ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને બે ક્વોલિફાય ટીમ હશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. ટી-20 મહિલા વર્લ્ડકપ -2026માં કુલ 33 મેચ ઇંગ્લેન્ડમાં સાત સ્થળ પર રમાશે. ઉદ્ઘાટન મેચ 12 જૂને એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે હશે. એજબેસ્ટન સિવાય હેમ્પશાયર બાઉલ, હેડિંગ્લે, ઓલ્ડ ટ્રેફર્ડ, ઓવલ, બ્રિસ્ટન કાઉન્ટી ગ્રાઉન્ડ અને લોર્ડસ મેદાન પર મેચ રમાશે. બે સેમિફાઇનલ 30 જૂન અને 2 જુલાઇના ઓવલ પર રમાશે, જ્યારે ફાઇનલ પ જુલાઇએ લોર્ડસ પર હશે. ભારતીય મહિલા ટીમ 14 જૂને પાકિસ્તાન સામે રમ્યા પછી 17મીએ ક્વોલિફાય ટીમ વિરુદ્ધ રમશે. 21 જૂને દ. આફ્રિકા સામે ટક્કર થશે. 2પમીએ બીજી ક્વોલિફાય ટીમ સામે હશે. 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે કસોટી થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd