મોટા ભાડિયા (તા. માંડવી),
તા. 19 : કચ્છના ઘણાખરા
ગામોમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ મંડાઈ ચૂક્યો છે, તો ઘણાખરા ગામો સમરસ થઈ ગામની એક્તાનું પ્રતાબિંબ
પૂરું પાડી ચૂંટણીને જાકારો પણ આપ્યો છે, ત્યારે મુંદરા તાલુકામાં
આવતી મોટી ખાખર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સીધી ટક્કર જોવા મળશે તે હવે નક્કી છે.
કચ્છના ઘણાખરા તાલુકાઓમાં ગ્રામ પંચાયતો લગભગ `કસવાળી'
થઈ ગઈ છે અને આ ગ્રામ પંચાયતો અંકે કરવા ઉમેદવારો તરફથી એડીચોટીનું જોર
લગાવી મતદારોને રીઝવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પેંતરા અપનાવવા પડતા હોય છે,
તો ઘણાખરા ગામો ચૂંટણી ભલે થાય, પણ અમુક ગામોમાં
વોર્ડ બિનહરીફ પણ થયા છે. આજે આ પંથકના મુંદરા તાલુકાના મોટી ખાખર ગામે પહોંચતા આ ગામે
બક્ષીપંચ પુરુષની સીટ હોતાં અહીં બે ઉમેદવાર વચ્ચે સરપંચપદ માટે સીધી ટક્કર જોવા મળી
છે. સરપંચના ઉમેદવાર રતન કરમણ ગઢવીએ અગાઉ જ બાજી મારી પોતાની તરફેણમાં ચાર વોર્ડ બિનહરીફ
કરી ચૂક્યા છે, તો બે વોર્ડ પર સભ્યની ચૂંટણી થાય છે અને એક વોર્ડ
આદિવાસી જાતિનો હોઈ તે ખાલી રહેવા પામી છે, તેમના પ્રતિસ્પર્ધી
આમદ સાલેમામદ કુંભાર પણ એક વોર્ડ બિનહરીફ કરી ચૂક્યા છે, વિકસિત
ગામની વ્યાખ્યામાં આવતું આ મોટી ખાખર ગામ 1685 જેટલા મતદારો ધરાવે છે. ગામના અગ્રણીઓ કુલદીપાસિંહ જાડેજા, પ્રભુભાઈ ગઢવી, જયદેવાસિંહ,
કિશોરાસિંહ, કરમણ કેશવ ગઢવી, ચાંપશી સંજોટ, જતિનભાઈ મારૂ, ધનજી
મારાજ, સુરેશ આહીર, કરસન ધનજી સહિતનાઓ ગ્રામ
પંચાયત ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. - કાંડાગરાને વિકાસની નવી ઊંચાઈ
બક્ષવા પ્રયત્નો કરાશે : બાજુમાં જ
આવેલા મોટા કાંડાગરા ગામે પણ એક સદ્ભાવના પેનલ અને બીજી જનશક્તિ પેનલે પોતાના કાર્યાલયો
ખોલી પરચાનું ફૂંક્યું છે. મુંદરા તાલુકામાં સંવેદનશીલ મતદાન મથક તરીકે ગણાતા આ ગામની
ચૂંટણી સમગ્ર તાલુકાનું ધ્યાન ખેંચે એવી છે. આ ગામે સરપંચ પદ માટે બક્ષીપંચ મહિલાની
સીટ છે. જનશક્તિ પેનલના ઉમેદવાર લીલાબેન પ્રતાપભાઈ પરમાર છે, તો સામે સદ્ભાવના પેનલ પ્રેરિત દેવલબેન ડાયાભાઈ
ગઢવી તેમના પ્રતિસ્પર્ધી છે, 4000 જેટલી વસ્તીમાં 2500ની આસપાસનું વોટિંગ છે, સદ્ભાવના પેનલના એક સભ્ય ચૂંટણી અગાઉ જ બિનહરીફ થયા છે, તો ફોર્મ ભરાયા બાદ સરપંચ પદના ઉમેદવાર જનકબેન પ્રકાશભાઈ આહીરે પોતાની ઉમેદવારી
પરત ખેંચી દેવલબેન ગઢવીને સમર્થન જાહેર કર્યું
છે. આ પેનલના અગ્રણી પાલુભાઈ ગઢવી (ભજનાનંદી)એ
જણાવ્યું હતું કે, કાંડાગરા ગામને સર્વાંગી વિકાસ નસીબ થાય તે
માટે સર્વ સમાજોને સાથે રાખી ગામને સંપૂર્ણ વિકસિત ગામની વ્યાખ્યામાં સમાવવામાં આવે
એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. જનશક્તિ પેનલના અગ્રણી અને જિલ્લા પંચાયતના માજી ઉપાધ્યક્ષ
ગિરીશભાઈ છેડાએ જણાવ્યું હતું કે, ગામની તમામ પ્રાથમિક સુવિધાઓ
આ ગામમાં ઉપલબ્ધ છે અને સેવાની સરવાણી ગામલોકો માટે સતત વહેતી રહી છે. છેલ્લા થોડા
સમયમાં વહીવટદારના શાસનમાં ગ્રામજનોને અમુક અંશે મુશ્કેલી ભોગવવી પડી હતી, પરંતુ સેવાકાર્યો સતત થતા રહ્યાં છે, છતાં ગામમાં ખૂટતી
કડીઓ પૂર્ણ કરી ગામને વિકાસની નવી ઊંચાઈ બક્ષવા વિશેષ પ્રયત્નો હાથ ધરાશે તેવું કહ્યું
હતુ. અહીં હવે આઠ વોર્ડ સાથે પંચાયતની ચૂંટણી યોજાશે. - નાના ભાડિયામાં બે પ્રતિસપર્ધીના
દાવા-પ્રતિદાવા : માંડવી તાલુકાનું
નાના ભાડિયા ગામ 1500થી 1700ની જનસંખ્યા ધરાવતું ગામ છે.
આ ગામે 835 જેટલા મતદારો છે. સરપંચ પદ
માટે બે ઉમેદવાર વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે, કુલ 10 વોર્ડ વચ્ચે
સરપંચપદના ઉમેદવાર પ્રવીણચંદ્ર ખેતશી ગોગરીએ પોતાની તરફેણમાં બે વોર્ડ અગાઉ બિનહરીફ
કરી ચૂક્યા છે. તેમની સામે ઓસમાણ જુસબ લંગા ફરી સત્તા મેળવવા ઉમેદવારી કરી હોવાના વાવડ છે. આમ આ પંથકમાં ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ
તબક્કે પહોંચી છે. જીતના દાવા અને પ્રતિદાવા સાથે સાચું પરિણામ તો મતદાન પેટીઓ ખૂલશે
ત્યારે જ સામે આવશે.