રાપર , તા. 17 : ગઈકાલે મેઘરાજાએ એક સાથે રાપર શહેર તાલુકામાં ચાર ઈંચની મહેર વરસાવી હતી. ત્યાર બાદ આજે પણ શહેરમાં વરસાદની હેલી બરકરાર રહી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવતા ધરતીપુત્રોમાં હરખ પ્રસર્યો હતો. - રાપરમાં બપોરે વધુ 2 ઇંચ : ગઈકાલ બાદ આજે રાપર તાલુકામાં મેઘકૃપા અવિરત ચાલુ રહી હતી. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 12.30 વાગ્યે ચાલુ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે ધીમી ધારે ચાલુ છે. બપોરે શાળાએથી છૂટતાં બાળકો વરસાદમાં ભીંજાતાં ઘરે ગયાં હતાં. તો ગામડેથી હટાણું કરવા કે અન્ય કામે આવેલાં મુસાફરો ફસાયા હતા. આજનો વરસાદ શાંત અને ડાહ્યો ડમરો હતો. પહેલાં ઝંઝાવાતી ઝાપટાં પછી શાંતિથી અવિરત પડતા વરસાદથી માર્ગો, બજારો, ગલીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયાં હતાં. નગરપાલિકા દ્વારા નિર્મિત નવા રોડમાં કયાંય વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરેલ હોવાથી જ્યાં જ્યાં નવા અને ઉંચા રસ્તા બન્યાં ત્યાં ગલી ચૌરાહામાં પાણીનાં નાનાં તળાવ સર્જાયાં હતાં. હજી તો વરસાદની શરૂઆત જ છે ત્યાં જ નવી બનેલી આંઢવાળા તળાવની પાળનું નબળું કામ બોલી ઉઠયું હતું. પેચીંગ કરેલાં પથ્થરોએ જાણે બળવો કર્યો હતો! નીચાણમાં આવેલી હનુમાન શેરીમાં ઘરોમાં અને હનુમાન મંદિરમાં પાણી ભરાયું હતું. છૂટ્ટી પડ્યા પછી વરસાદ આવ્યો હોવાથી બાળકોએ મન મૂકીને માણ્યો હતો. તો અમુક વિસ્તારોમાં રાબેતા મુજબ વીજળી વેરણ બની હતી. - ગ્રામ્ય વિસ્તારોમા વાવણી લાયક વરસાદ : તાલુકાનાં હમીરપરમાં વરસાદથી માલણ નદી બંને કાંઠે વહી રહી હોવાનું ભાવેશ સોનીએ જણાવ્યું હતું તો ગાગોદરમાં પણ બપોરથી સાંજ સુધી વાવણીલાયક વરસાદ થયો હોવાનું અશ્વિન ઠક્કરે જણાવ્યું હતું. પ્રાંથળનાં બાલાસર જાટાવાડામાં ધીમીધારે વરસતો હોવાનું જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. બેલામાં પણ સાંજે સાડાપાંચે ઝરમર ઝરમર ચાલુ થયો હોવાનું ભૂપતાસિંહ વાઘેલાએ કહ્યું હતું. પ્રાંથળનાં બેલા પંથકમાં ચાર છાંટા પડે એ સાથે જ વીજળી ગુલ થઈ જાય છે તે આખો દિવસ અને રાત ખોરવાયેલી રહેતી હોવાની ફરીયાદો ઉઠી હતી. આડેસરમાં ગતરાત્રે વરસાદ શરૂ થયો હતો જે આજે સવારથી ઝરમર ચાલુ રહ્યો હોવાનું પ્રતિનિધિ ખેંગાર પરમારે જણાવ્યું હતું. કીડીયાનગર, સેલારી, ઉમૈયા, ત્રંબૌ, વજેપર રામવાવ સહિત રાપર તાલુકામાં લગભગ ગામોમાં વાવણીલાયક વરસાદ થયો હોવાના અહેવાલો સાંપડ્યા હતાં . ઉઘાડ નીકળતાં જ જગતનો તાત ખરીફ પાકનાં વાવેતરમાં જોતરાઈ જશે. ખેડૂતો દ્વારા બિયારણની ખરીદી મોટા પ્રમાણમાં ચાલુ હોવાનું એપીએમસી સ્થિત વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળીનાં મેનેજર રતિલાલ સોનીએ જણાવ્યું હતું. - મોસમનો 6 ઇંચ વરસાદ પડી ગયો : આજે સાંજ સુધીમાં રાપરમાં 42 મીમી જેટલો વરસાદ રાપર મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલ રૂમમાં નોંધાયો હોવાનું નાયબ મામલતદાર ભીખાભાઈ કોરાટે કહ્યું હતું. . અગાઉનો 97 મીમી મળીને રાપરમાં મોસમનો કુલ વરસાદ 139 મીમી( પોણા છ ઈંચ)જેટલો નોંધાયો હતો. સચરાચરા વરસાદથી ખેડૂતો અને માલધારી વર્ગમાં ખુશી જોવા મળી રહી છે.