વિથોણ (તા. નખત્રાણા), તા. 15 : નખત્રાણા
પંથકમાં ખરીફ પેદાશોની વાવણીનો ધમધમાટ થતાં કપાસનાં વાવેતર બાદ હવે મગફળી વાવેતરની
તૈયારીઓ ચાલે છે. જમીન ખાતર - માટીથી સજ્જ પણ વરસાદની વાટ જોવાય છે. નખત્રાણા પંથકના
ખેડૂતો અવનવી પેદાશોના અખતરા માટે જાણીતા છે. ઇઝરાયલી ખેતીનું અનુકરણ કરવા કચ્છનો ખેડૂત
પાવરધો છે અને અનેક પ્રયોગોમાં સફળતા પણ મેળવી ચૂક્યા છે. ઓછાં પાણીથી વધુ ઉત્પાદન
કેમ લેવું તે કચ્છના ખેડૂતોને કોઠાસૂઝ તો વારસમાં મળી છે. નખત્રાણા પંથકમાં અત્યારે ખરીફ વાવેતરનો ધમધમાટ
છે. અત્યારે ખેડૂતોનો કતિરો ચાલે છે. ખેતમજૂરોની ખેંચને કારણે ખેડૂતોનું ધાર્યું કામ
થતું નથી. પરપ્રાંતીય શ્રમિકો પણ ખેડૂતોની ગરજ જોઇને વધુ મહેનતાણું માગી રહ્યા છે અને
જો ખેડૂતો આનાકાની કરે તો કામ છોડી દેવાની ધમકી આપે છે. અત્યારે પંથકની લગભગ મોટાભાગની
વાડીઓમાં કપાસનું વાવેતર થઇ રહ્યું છે અને
ચોમાસું મગફળી માટે જમીન ખેડીને ખાતર, માટીના પટ આપી કોરવાણ પણ ચાલુ થઇ રહ્યા છે, ત્યારે ટીટોડી
વાડીના મધ્ય ભાગમાં ઇંડા મૂકીને વરસાદના
વિલંબ થવાના સંકેતો આપે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. પાછલા 10 દિવસથી પડી રહેલી સખત ગરમીને
કારણે ખેડૂતોને જમીન માટે જેટલું ઉષ્ણતામાન જોઇએ તેટલું જમીનને મળી ગયું છે અને જમીન
ફળદ્રુપ અને ઉપજાઉ બનાવવા ખેડૂતો અત્યારે છાણિયા
ખાતર, માટી અને કાંપના પટ ભરપૂર માત્રામાં આપી રહ્યા
છે અને ખરીફ પેદાશોને પોષણ મળે તેટલાં પ્રમાણમાં જમીનને ઉપજાઉ ઔષધિઓ અપાઇ ચૂકી છે.
જગતનો તાત અત્યારે વરસાદની વાટ જુવે છે. કારણ
કે, ચોમાસું મગફળીનું જો પાલરપાણીથી વાવેતર થાય તો મોલને પાયાનું
પોષણ મળી રહે તેવું ખેડૂત વિઠ્ઠલભાઇ રામજી ભગતે જણાવ્યું હતું.