• બુધવાર, 02 જુલાઈ, 2025

ભુજમાં 22 જૂને સંગીતમય ટોક શો જીના ઇસીકા નામ હૈનું નવતર આયોજન

કચ્છીયત ફાઉન્ડેશન આયોજીત કાર્યક્રમમાં ગીત-સંગીતની  સાથે જીવનની રોજ-બરોજની ઘટના અંગે જીવંત સંવાદ કરાશે સંગીત દરેક મનુષ્યના જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આપણે જો ધ્યાન દઈએ તો પ્રકૃતિની દરેક કૃતિમાં, ગતિવિધિમાં એક તાલ છે, લય છે અને એનું મિશ્રણ કરતું સંગીત છે બસ જરૂર છે તો એને એક અલગ નજરથી જોવાની ત્યારે  કચ્છમાં સંભવિત પહેલી વખત ભુજમાં  એક અનોખો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેમાં ગીત સંગીતની સાથે જીવનને લગતી વાતો, યાદગાર કિસ્સાઓ અને આમંત્રિત વક્તા સાથે જીવંત સંવાદ કરવામાં આવશે.  મ્યૂઝિકલ ટોક શો જીના ઇસી કા નામ હૈ કાર્યક્રમ 22 જૂન રવિવારે સાંજે મુકતજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે યોજાશે. `કચ્છીયત ફાઉન્ડેશન'ના ડો. નિનાદ ગોરે જણાવ્યું હતું કે આગામી 22 જૂનના રવિવારે સાંજે 5 વાગ્યે એક મ્યુઝિકલ ટૉક શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશમાં પ્રખ્યાત સંગીતકાર કીર્તિ વરસાણી અને એમની ટીમ દ્વારા સદાબહાર ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેને અનિરુદ્ધ આહીર, ભૂમિકા જોશી, રાજ ગઢવી, શ્રેયસ પઢારીયા, સુમન પટેલ તથા દીપેન હંસોરા પોતાનો સ્વર આપી આયોજનને  સૂરિલો બનાવશે. પોતાનું જીવન જેમણે સંગીતને સમર્પિત કરેલું છે એવા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિ વરસાણીએ જણાવ્યું કે, મનુષ્યોની સાથે, અબોલ પશુ પક્ષીઓ તથા વૃક્ષો પર પણ સંગીતની સકારાત્મક અસર થાય છે એવું વૈજ્ઞાનિકો સાબિત કરી ચૂક્યા છે. ત્યારે આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે સંગીતના સથવારે અંતરાત્મા સાથે જોડાઈ શકીયે એ માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમ્યાન કપિલ ગોસ્વામી જીવનમાં બનતી રોજબરોજની ઘટનાઓ તેમજ ભાવનાત્મક પાસાઓને એક જુદા દ્રષ્ટિકોણથી જોવા વિશેની વાત રજૂ કરશે. આકાશવાણી ભુજના  ઉદ્દઘોષક અર્ચના ચૌહાણ તેમને સાથે પૂરો પાડશે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડૉ. નિમિત્ત ઓઝા હાજર રહી જીવંત સંવાદમાં પોતાના અનુભવો  રજૂ કરશે. મહિલા કોલેજના આચાર્ય ડો. હિના ગંગરે કચ્છના વધુમાં વધુ લોકો આ કાર્યક્રમને માણી શકે એ માટે `ઓલ ઇવેન્ટ્સ' ની એપ્લિકેશન અથવા વેબસાઈટ પરથી  બુકિંગ કરાવી શકશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. હિના ગંગર, વિધિ ગોર, વૈશાલી જેઠી, ઝરણા પંડ્યા, રીમા પઢારીયા અને ડો. રુચિ ગોર તથા કચ્છીયતના સંધ્યા વરસાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ સમગ્ર આયોજનમાં કચ્છમિત્રનો મીડિયા પાર્ટનર તરીકે સહયોગ મળ્યો છે. 

Panchang

dd