ભુજ, તા. 15 : જેઠ માસ અડધો વિતી ચૂક્યો છે, ત્યારે વરસાદની શુકનવંતી પધરામણીથી કચ્છમાં
હરખની હેલી છવાઇ છે. હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગત રાત્રિ દરમિયાન રાપર શહેરમાં
ચાર તો તાલુકામાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભુજ, નખત્રાણા, ગાંધીધામ, ભચાઉ,
મુંદરા સહિતના તાલુકામાં ઝાપટા સ્વરૂપે વરસાદની હાજરી જોવા મળી હતી. અરબી
સમુદ્રમાં સર્જાયેલ સર્ક્યુલેશનની અસરથી આખું અઠવાડિયું વરસાદી માહોલ રહે તેવા અનુમાન
વચ્ચે મંગળથી ગુરુ દરમિયાન કેટલાક સ્થળે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જિલ્લા
મથક ભુજ, બફારાના માહોલ વચ્ચે સાંજના સમયે આભમાં ઘનઘોર વાદળ છવાયા
હતા. મુંદરા રોડ વિસ્તારમાં ક્યાંક-ક્યાંક
જોરદાર ઝાપટા પડયા પણ તે સિવાય શહેરના અન્ય વિસ્તાર કોરા રહ્યા હતા. ગઈકાલે રાત્રે
કચ્છનાં પ્રવેશદ્વારેથી મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઇ હતી. મોડી રાત્રે બાર વાગ્યે
રાપર અને તાલુકાનાં અન્ય ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે આવી પહોંચી હતી. રાપરમાં રાત્રે બાર વાગ્યે તોફાની પવન અને કડાકા ભડાકા સાથે
ધોધમાર વરસાદ પડ્યો હતો. સવાર સુધીમાં સતાણુ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો
હોવાનું મામલતદાર એચ. બી. વાઘેલાએ જણાવ્યું હતું. અચાનક પડેલાં ઝંઝાવાતી વરસાદથી બજારો
અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો હજી કાલે જ સવારે શહેરમાં વીજકાપ મૂકી
નવ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યાં હતાં, જે તોફાની વરસાદ અને
વીજળીને કારણે પાંચ ટ્રાન્સફોર્મર બળી ગયા હોવાનું પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઇજનેર
એ. બી. પ્રજાપતિએ જણાવ્યું હતું. આજે બીજા દિવસે પણ ગરમીમાં લોકોને વીજકાપ ભોગવવો પડ્યો
હતો. અનેક વિસ્તારોમાં કાલ રાતથી બંધ થયેલો વીજ પુરવઠો આજે સાંજ સુધી ચાલુ થયો ન હોવાની
ફરીયાદો ઉઠી હતી. રાપરનાં ત્રંબૌમાં પણ બે કલાકની વરસાદી રમઝટમાં અઢી ઇંચ જેટલું પાણી
વરસ્યું હોવાનું ડોલરરાય ગોરે જણાવ્યું હતું તો ગાગોદર, જાટાવાડા
વગેરે ગામોમાં પણ વરસાદનાં અહેવાલો મળ્યા હતાં. સમયસર વરસાદનાં આગમનથી ખેડૂતોમાં આનંદની
લાગણી વ્યાપી હતી. સેલારીમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. તા. 1-6-25થી ચોમાસાને અનુલક્ષીને મામલતદાર
કચેરીમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો હોવાનું અને તેનો નંબર 02830 220001 હોવાનું મામલતદાર શ્રી વાઘેલાએ
જણાવ્યું હતું. - પચ્છમમાં
વરસાદી ઝાપટા : છેલ્લા બે
દિવસથી સખત ઉકળાટ અને બફારાથી ત્રાસી ગયેલી પચ્છમની પ્રજાને આજે વહેલી સવારે લગભગ ચારથી
છ વચ્ચે વરસાદ થતાં ઠંડક પ્રસરી હતી. પચ્છમના મુખ્ય મથક ખાવડામાં 16 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો
હતો તો આખા પંથક માંથી મળતા સમાચારો પ્રમાણે લગભગ આખા પચ્છમમાં એટલો જ વરસાદ થયો છે
જેનાથી જમીનમાં પાણી વહી નીકળ્યા હતા. કચ્છીમાં કહેવત છે કે પુણે ઠળિયા પુતર (પહેલા
ખોળાનો દીકરો) અને જેઠળિયા મી (જેઠ માસનો વરસાદ) ભાગ્યે જ મળે છે. આખો દિવસ સખત ગરમી
અને બફારો રહ્યો છે જે હજુ આજે વરસાદ થવાના એંધાણ સૂચવી રહ્યું છે. - સમાઘોઘામાં ઝાપટું : મુંદરા તાલુકાના સમાઘોઘા ગામમાં વરસાદની
આગાહીના પગલે વહેલી સવારના ચાર વાગ્યે અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો, જેના કારણે ગરમીમાં થોડી રાહત થયાનું ઉપસરપંચ
મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. - ધાડાધ્રોમાં વીજળી પડતાં બે ભેંસોના મોત : ભચાઉ તાલુકાના
ધાડાધ્રો ગાભની વાડીએ બે ભેંસો પર વીજળી ત્રાટકતાં મોત થયા હતા. સીમમાં કોલી જેમલ મેરામણની
ભેંસો બાવળિયા નીચે બાંધી હતી ત્યારે મોડીરાત્રે વીજળી પડતાં બેજીવી ભેંસોના મોત થયા
હતા. જ્યારે બાજુમાં જ બાંધેલા બીજા ઢોર બચી ગયા હતા. ધડાકો થતાં પરિવાર બહાર દોડી
આવ્યો હતો. - નખત્રાણામાં ઝાપટા : નખત્રાણા તાલુકાના માધાપર (મંજલ) વિસ્તારમાં
ચોમાસાની છડી પોકરતા મેઘરાજાના પગરણ મંજલમાં જોરદાર ઝાપટા વરસ્યા. અડધો ઇંચ વરસાદ જ્યારે
દેશલપર (વાંઢાય), કુરબઇ,
મંગવાણામાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. ગત 8મી જૂનના મૃતશિર્ષ નક્ષત્રનો આરંભ થયા બાદ
સપ્તાહના અંતે શુકનવંતા વરસેલા ઝાપટાથી ચોમાસુ બેસવાની તૈયારીના એંધાણથી ખેડૂત, માલધારી સહિત લોકોમાં આનંદની લાગણી ફ;લાઇ છે. જ્યારે ચોમાસા ઋતુનો આરંભનો પ્રથમ આર્દ્રા શુકવંતુ નક્ષત્ર તા. 22મી જૂનના આરંભ થશે. જેથી આ વરસના ચોમાસામાં
વરસાદની સારી જમાવટ રહેવાના એંધાણ વરતાયા છે. માકપટમાં દિવસભર ધાબળિયા વાતાવરણ વચ્ચે
ક્યાંક છાંટા-ફોરા પડયા હતા. ચકાર, જાંબુડી, કોટડા રેહા પંથકમાં વરસાદ વરસ્યો હતો. માલધારીઓ,
પશુપાલકો, ખેડૂતો ચોમાસાના આગમનને કાગડોળે રાહ
જોતા હતા તેમને આનંદ થયો હતો. આ પંથકના ખેડૂત અગ્રણીઓ કોટડા આથમણા સરપંચ મનસુખભાઇ માકાણી,
રેહા સરપંચ ગેલુભા જાડેજાએ કાળઝાળ ઉકળાટથી માનવ, પશુ-પક્ષી, સર્વે જીવો આકુળ વ્યાકુળ હતા. દરમ્યાન આજે
કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા આસમાનમાંથી કચ્છ જો ધણી મીંથી કચ્છીમાડુ હરખાયા હતા.
સુમરાવાંઢ દૂધ મંડળીના મંત્રી આરબ સુમરાએ તો શાળાના બાળકોને મીઠું મોં કરાવ્યું હતું.