• બુધવાર, 02 જુલાઈ, 2025

પ્રિ-મોન્સૂન કામગીરી એટલે પ્રજાનાં નાણાંનું આંધણ

ભુજ, તા. 15 : દર વર્ષે ચોમાસાંનાં મંડાણ થાય તે પૂર્વે વિવિધ તંત્રો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા ખાસ પ્રિ- મોન્સૂન પ્લાન ઘડી તેનો સુચારુ ઢબે અમલ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા થતા હોય છે, પણ એક કડવી વાસ્તવિક્તા એ છે કે, ચોમાસાં પૂર્વે હાથ ધરાતી આ પ્રિ-મોન્સૂન કામગીરી સામાન્ય વરસાદમાં જ મપાઈ જતી હોય છે. પ્રિ-મોન્સૂનની કામગીરી કરવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે પ્રજાના પૈસાનું આંધણ થવા સમાન છે, એમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું લાગતું નથી. વર્ષોથી એક પ્રણાલી ચાલી આવી રહી છે કે, ચોમાસું શરૂ થવાને થોડો સમય બાકી રહ્યો હોય ત્યારે જિલ્લાની વિવિધ નગરપાલિકા, વીજતંત્ર, માર્ગ- મકાન વિભાગ, સિંચાઈ વિભાગ સહિત અન્ય વિભાગો દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી ચોમાસાં દરમિયાન ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે, પણ એક કડવા સત્ય સમાન વાત એ છે કે, પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવા માટે જે પ્લાન ઘડાય છે તે કાગળ પર જ સક્રિય દેખાઈ રહ્યો છે, પણ વાસ્તવિક અમલવારીનાં નામે મીંડું જ જોવા મળતું હોય છે.  જાગૃત નાગરિકોએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન હાથ ધરાતો હોવા છતાં ભારે વરસાદ સમયની વાત દૂર રહી સામાન્ય વરસાદમાં પણ જળભરાવ સહિતની સમસ્યા સર્જાતી હોય છે. એ જ રીતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કલાકો સુધી જાળવણીનાં કામ માટે વીજપ્રવાહ બંધ રાખીને કામગીરી હાથ ધરાતી હોવા છતાં જ્યારે વરસાદના ચાર છાંટા પડે કે તરત જ વીજળી ગુલ થઈ જાય છે. સિંચાઈ વિભાગ દ્વારા પણ ચોમાસાં પૂર્વે ડેમનાં સમારકામ સહિતની કામગીરી હાથ ધરાતી હોવા છતાં ડેમમાં ગાબડું પડવા સહિતની ઘટના ઘટતી જ રહે છે. - ચોમાસું શરૂ થવા સુધી પ્રિ- મોન્સૂનનાં કામ ચાલે છે : નિયમ એવો છે કે, વરસાદનાં આગમનની જ સત્તાવાર તારીખ સામાન્ય રીતે રહેતી હોય છે તેના એક પખવાડિયાં પહેલાં કામ આટોપી લેવાનું હોય છે, પણ કચ્છમાં તો આવાં કામો જ મોડા શરૂ થતા હોવાથી ક્યારેક તો વરસાદની પધરામણી થયા બાદ પણ કામો ચાલુ રહેતા હોવાથી કામગીરી કર્યાનો કોઈ અર્થ સરતો નથી. 

Panchang

dd