• બુધવાર, 25 જૂન, 2025

માંડવી બીચ પર માનવ મોજાંએ ભુજા પ્રસરાવતાં ભીડનાં દૃશ્યો

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 15 : સંક્રાંતના કાંધાં ઠરે એવી લોકવાયકા સાચી ઠેરાવતા ગગડેલા પારા થકી વેગીલા ઠંડા પવન સાથે સહેલાણીઓના પ્રવાહે ગરમાવો પાથરી દેતાં અત્રેના રમણીય, રૂપેરી સાગર કિનારાને ઊભરાવી દીધો હતો. ખાણી-પીણીના ધંધા સ્થળો અને હોટેલ-રેસ્ટહાઉસ ઉપર તડાકો ખડો કર્યો હતો. કાંઠા વિસ્તારથી રંગભવન, દીવાદાંડીવાળો લિંક રોડ ગજાં બહારનું ભારણ ખમવા લાચાર બનતાં ઠેર-ઠેર અસહ્ય ભીડે ટ્રાફિકજામ કરી દેતાં બારાતુ અને શહેરીજનોએ તોબા પોકારી હતી. ચાર દિવસ સુધી મહદ્અંશે હોટેલો `પેક' હોવાની માહિતી મળી હતી. અહીંના વિશાળ અને નયનરમ્ય દરિયાકિનારાનું ઘેલું સહેલાણીઓને દિવસાદિવસ વધુ ને વધુ લાગતું હોવાથી વિન્ડફાર્મ બીચ માનવીય મોજાંએ ભુજાઓ પ્રસરાવતાં અદ્ભુત ભીડનાં દૃશ્યો ખડાં?થયાં હતાં. ધંધાર્થીઓની આંખ ઠારે એવો માહોલ પ્રવાસીઓએ માણ્યો હતો. વૈકલ્પિક બીચ જાગતા અને જામતા ન થાય ત્યાં લગી લગભગ `પવનચક્કી પટ' સઘળો ભાર વહન કરતો રહ્યો છે. માંડવી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ સોલંકીએ  જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માહોલ અને મેદની દિવાળી પર્વો કરતાં પણ લગભગ બેવડી હતી. ગત વર્ષ કરતાં અપવાદો બાદ કરતાં ત્રણગણી ભીડ નસીબ થઇ હતી. એસો. સાથે સંકળાયેલી 30 હોટેલ પૈકી 90 ટકા આસપાસ પેક હતી. સંલગ્ન નથી એવી છ-સાત હોટેલ વધારામાં. સત્સંગ આશ્રમ, સ્વામિનારાયણ મંદિર, દરજી જ્ઞાતિની વાડી,  સોની સમાજવાડી જેવાં સ્થાનો, હોમ સ્ટે વગેરેની વાત વધારાની. જો કે, રુટીન રેટ કરતાં વધારે માગવામાં આવે તો પ્રવાસીઓ સરકી જતા હતા. જો કે, 10-15 ટકા ભાવ વધારો ગલ્લાંમાં આવતો રહ્યો. પાર્કિંગની જગ્યા સારી અને સુરક્ષિત હોય ત્યાં?ધંધાની જમાવટ જોવા મળેલી. રોડ ઉપરની હોટેલો મોટાભાગે ભરચક રહી. ખાવા-પીવાના ધંધા સ્થળો, લારીઓ, નાસ્તાગૃહો ઉપર કિડિયારા સર્જાયાં હતાં. અગાઉના વર્ષોની તુલનાએ આ વેળા લક્ઝરી બસો, મોટા ચાડીકાઓમાં સવાસો-દોઢ સો ટકા ઇજાફો અનુભવાયો. ધોરડો, ભુજ વગેરે સ્થળોએ મોં માગ્યા ભાવે રોકાણ માટે રૂમો મગાતાં એવું યાદ આવી જાય. આમ ફાટ-ફાટ થતા માનવ મહેરામણે અતાર્કિક દિશાસૂચનને લીધે અકળામણ થાય એટલી હદે `ટ્રાફિકજામ' સર્જી દેતાં સહેલાણીઓના જ ચાડીકાઓ નહીં, શહેરીજનોના વાહનો પણ ફસાઇ પડયાં હતાં. અવાંતરે થતી આવી હાડમારીનો હવે ઇલાજ નહીં, શત્રક્રિયા અનિવાર્ય બની છે. તળાવ ગેટથી અનંતમાર્ગ, પોસ્ટ ઓફિસથી તળાવ ગેટ નલિયા રોડ ઉપર આશ્રમથી શીતલા તળાવ, કાંઠા વિસ્તારવાળો લિંક રોડ અગણિત વાહનોના ભરાવાનો ભોગ બન્યો હતો. સવેળા કાશી વિશ્વનાથ બીચ, રાવલપીર, ક્રાંતિતીર્થ સામેનો કિનારો વગેરે  સુવિધાસભર સમાંતરે સજીવન થાય તો અને ત્યારે જ ભારણ હળવું બને અને પ્રવાસીઓ વધુ મોજ માણી શકે તેવી રજૂઆત ધારાસભ્ય અનિરુદ્ધભાઇ?દવે સમક્ષ હોટેલ એસો.એ કરી હોવાનું જણાવતાં શ્રી સોલંકીએ કહ્યું કે, રાઇડ્સ વગેરે સુરક્ષિત અને પર્યાપ્ત થાય એ જરૂરી છે. ક્રાંતિતીર્થ ખાતે પહેલાં અઠવાડિયે એક દિવસ `સાઉન્ડ એન્ડ લાઇટ્સ'નો શો થતો તે હવે રજૂઆતો પછી પૂરતા પ્રેક્ષકો મળતાં રોજ સંભવ બન્યો હોવાથી પ્રવાસીઓ અમૂક અંશે વધી રહ્યા છે. એકાદ-બે દિવસની વચ-રજા મૂકી દેવાતાં આ વખતે મિની વેકેશન જેવી મોકળાશ સંભવ બની હતી. ધ્રબુડી, બૌંતેર જિનાલય, અંબેધામ, ડોણ-જ્યોતેશ્વર મહાદેવ, રાવળપીર, આશર માતાજી, શ્રીપીઠ આશાપુરા માતાજી નાના રતડિયા, રાજડા ટેકરી, આઇ હાંસલ માતાજીની સધક ભૂમિ (મોટા રતડિયા), જૈન દેરાસરો, ગઢશીશા અંબાજી મંદિર સહિતના ધાર્મિક સ્થળોને ખોળામાં લીધેલા આ પંથકમાં રસ્તાઓની પહોળાઇ વધારવાની માગો ઊઠી હતી. રેલવે, ઓખા ફેરી બોટ, વિમાની સેવા, હવે પ્રવાસના પરિપ્રેક્ષ્યમાં સમયનો તકાજો ગણાવાયો હતો. માંડવી આવનારાઓના ધાડાંએ વિજય વિલાસ પેલેસ ઉપર આંખ ટેકેલી રાખી હતી. રસિકોએ  મકરસંક્રાંતિના પર્વે ઊંધિયું, ફાફડા-જલેબીનો બહોળા પ્રમાણમાં જલસો કરતાં ધાબાં-અગાસીઓ, ખુલ્લાં મેદાનો કે દરિયા કિનારે પતંગો ઊડાડતાં શીતલહેરો સાથે હવામાં રંગો પથરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd