નવી દિલ્હી, તા. 3 : મહિલા પહેલવાનો
સાથે જોડાયેલા યૌન શોષણના બહુચર્ચિત મામલામાં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે સોમવારે
ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ મુક્ત કરી દીધા હતા. આ ફેંસલા વખતે પૂર્વ
સાંસદ બ્રિજભૂષણ તેમજ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ સચિવ વિનોદ તોમર કોર્ટમાં હાજર રહ્યા
હતા. અદાલતના ફેંસલા બાદ ભાજપ નેતા બ્રિજભૂષણે જણાવ્યું હતું કે, કોઈ આરોપ સાબિત થઈ જશે તો હું ફાંસી પર લટકી
જઈશ, તેવું મેં પહેલાં જ કહ્યું હતું. મારા માટે આજે ખુશીનો દિવસ
છે. કોર્ટના ચુકાદા બાદ પહેલવાન વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કહ્યું હતું કે,
અમે હજુ આશા નથી છોડી. અમે હાઈકોર્ટમાં આ ફેંસલાને પડકારશું. જુલાનાના
કોંગ્રેસ ધારાસભ્ય અને ઓલિમ્પિયન વીનેશ ફોગાટે ટ્વિટ કરીને કહ્યું હતું કે,
અમારી લડાઈ જારી રહેશે. સત્તાનાં જોરે બ્રિજભૂષણે અનેક કન્યાઓને ડરાવીને
તેમનાં નામો ખેંચાવ્યાં છે, પરંતુ અનેક મહિલાઓ પગ ખોડીને ઊભી
રહી અને કોર્ટમાં બ્રિજભૂષણ સામે લડાઈ લડતી રહી. શરૂઆતથી જ સમગ્ર તંત્ર, સરકાર અને સિસ્ટમ બ્રિજભૂષણને બચાવવા માટે કામે લાગ્યા હતા, તેવો આરોપ વીનેશે મૂક્યો હતો. મહિલા પહેલવાનોએ પોતાના વકીલોને રાઉઝ એવેન્યૂ
કોર્ટના ફેંસલા વિરુદ્ધ અપીલ કરવા કહી દીધું છે. પહેલવાનો પોતાની લડાઈ જારી રાખશે,
તેવું ફોગાટે કહ્યું હતું. આરોપ હતો કે, એક સગીર
સહિત છ મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ
કોઈ એફઆઈઆર નોંધાઈ નહોતી. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ એપ્રિલ - 2023માં એફઆઈઆર નોંધાઈ હતી. પાછળથી
સગીરા પહેલવાને પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.