નવી
દિલ્હી,
તા. 25 : મધ્ય-પૂર્વમાં
અહમ્ - વર્ચસ્વનું યુદ્ધ દુનિયાભરમાં ઊર્જા સંકટ સર્જીને મોંઘવારીનો માર મારી
રહ્યું છે. વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ ભારતમાં પણ ઈંધણ
ભાવવધારાનો દોર શરૂ થયો છે. છેલ્લા 11 જ દિવસમાં ચોથીવાર વસમો
વધારો ઝીંકાતાં સોમવારે પેટ્રોલ 2.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.71 રૂપિયા
પ્રતિ લિટર મોંઘું થયું હતું. આજના ઈંધણના ભાવમાં ભડકા બાદ દેશના છેવાડાના પ્રદેશ
કચ્છથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલની કિંમતે
સદી ફટકારી 100 રૂપિયાને
પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર 11 દિવસમાં સાડાસાત
રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. આ ઉછાળાથી ઉચાટ વચ્ચે સામાન્ય જનતામાં એ વાતનો અજંપો
છે કે,
આ ભાવવધારા પર રોક ક્યારે લાગશે ! બન્ને `જીવનજરૂરી' બની ચૂકેલા ઈંધણોના ભાવમાં વણથંભ્યા વધારાની અસર રૂપે અન્ય વસ્તુઓ,
સેવાઓ પણ મોંઘી બનવા માંડી છે. માલ પરિવહન મોંઘું થતાં બીજાં
રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળ, રાશન
મોંઘા થાય છે. ખેતીમાં ખર્ચ વધતાં અનાજ મોંઘા થાય છે. રિક્ષા, બસ જેવાં જાહેર પરિવહનનાં વાહનોની
યાત્રા પણ મેંઘી થવા માંડી છે. આ સ્થિતિએ દેશના નીતિનિર્માતાઓને બેહદ મુશ્કેલ
વળાંક પર લાવી મૂક્યા છે. ઈંધણના વધતા ભાવથી પરિવહન મોંઘુ થતાં ભોજન, અન્ય ચીજો, સેવાઓ મેંઘી થવાથી સામાન્ય જનતા પર બોજ
વધ્યો છે. બીજી તરફ તેલ કંપનીઓ છે જે લાંબા સમય સુધી ઈંધણનાં છૂટક વેચાણ પર નુકસાન
સહન કરી શકતી નથી. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં પેટ્રોલ 118.14 રૂપિયા
અને ડીઝલ 105.73 રૂપિયા
સાથે સૌથી મોંઘાં છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની
કિંમત 102.12 રૂપિયા, ડીઝલના ભાવ 95.20 રૂપિયા થઈ ગયા છે. તેનાથી વધુ આર્થિક રાજધાની
મુંબઈમાં પેટ્રોલના 111, ડીઝલના 97.83 રૂપિયા થઈ ગયા છે.
કોલકાતામાં 113.51 પેટ્રોલના
ભાવ અને ડીઝલની કિંમત 99.82 રૂપિયા, ચેન્નાઈમાં
પેટ્રોલના 107.77, ડીઝલના 99.55 રૂપિયા થઈ ગયા છે.
22 દિવસમાં
પેટ્રોલ વેચાણ 14 ટકા, ડીઝલ 18 ટકા વધ્યું
નવી
દિલ્હી,
તા. 25 : દેશમાં ઠેરઠેર પેટ્રોલ પંપો ઉપર લાંબી
કતારોનાં ચિંતા ઉપજાવતા દૃશ્યો વચ્ચે આજે ઈન્ડિયન ઓઈલ તરફથી કહેવામાં આવ્યું હતું
કે,
દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ કમી નથી પણ ગભરાટમાં થઈ રહેલી ખરીદીનાં
કારણે માગ અને પુરવઠામાં અસંતુલન સર્જાઈ ગયું છે. તા.1 મેથી
22મી
મે વચ્ચે પેટ્રોલનાં વેચાણમાં 14 ટકા અને ડીઝલનાં વેચાણમાં 18 ટકાનો
કારણ વગરનો વધારો થઈ ગયો છે. ધીમા ઝેરની
માફક વધી રહેલા ઈંધણનાં ભાવ મુદ્દે આજે વિપક્ષે ફરી એકવાર સરકાર ઉપર હુમલા બોલાવી
દીધા હતાં. જેમાં લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી ઉપર તીખો પ્રહાર કરતાં સરકાર ઉપર ચૂંટણી પૂરી થતાં જ ભાવવધારાનો બોજ જનતા ઉપર
નાખવાનો આરોપ મૂક્યો હતો.
પીએનજી
જોડાણ છે તેમને એલપીજી સિલિન્ડર પર રોક
નવી
દિલ્હી,
તા. 25 : મહાયુદ્ધથી ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે
એક મોટો ફેંસલો લેતાં પાઈપલાઈન દ્વારા ગેસ (પીએનજી) જોડાણ ધરાવતા ગ્રાહકોને એલપીજી
સિલિન્ડર ખરીદવા પર રોક મૂકી દીધી છે. સરકારનો આ આદેશ તાત્કાલિક અસરથી અમલી કરી
દેવાયો છે. આ પગલાંથી ગેસ સંકટ વચ્ચે એલપીજી બચત શક્ય બનશે અને જરૂરતમંદ લોકો સુધી
ગેસના બાટલા પહોંચાડી શકાશે, તેવું સરકારનું માનવું
છે. જો કે, આ ફેંસલાથી મોટી સંખ્યામાં લોકોની પરેશાની વધી
શકે છે. પીએનજી જોડાણધારકો તે જોડાણમાંથી ગેસ મળવામાં અવરોધ સર્જાય ત્યારે કામ લાગે તે માટે એલપીજી
સિલિન્ડર ખરીદીને રાખતા હોય છે.
ઇંધણભાવ
પર નાણામંત્રી : દેશનું અર્થતંત્ર મજબૂત છે
નવી
દિલ્હી,
તા. 25 : પેટ્રોલ-ડીઝલની
વધી રહેલી કિંમતોથી ઉચાટ વચ્ચે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને એવી ધરપત આપવા
કોશિશ કરી હતી કે, આ પડકારો બહારના કારણોથી વધુ
છે. દેશની ઘરેલુ આર્થિક સ્થિતિ આજે પણ મજબૂત છે. સીતારામને ફયુઅલ (ઇંધણ), ફર્ટિલાઇઝર (ખાતર) અને ફોરેકસ (વિદેશી મુદ્રા)એ ત્રણ એફ પર ફોકસ એટલે કે
ધ્યાન આપવાની લોકોને અપીલ કરી હતી. નાણાંમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે,
દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ મજબૂત બનેલી છે.
વિરોધી પક્ષો, કેટલાક લોકો આ સ્થિતિને એવી રીતે રજૂ કરી
રહ્યા છે કે, દેશમાં બધું વેરવિખેર થવા માંડયું છે, પરંતુ
ધીરજ રાખવાની જરૂર છે.