• મંગળવાર, 26 મે, 2026

અમેરિકા સંબંધોમાં સાતત્ય જાળવે એની ખરી જરૂર

દુનિયાને બ્રેકિંગ ન્યૂઝ આપવામાં માહેર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે કંઈ બોલે એની સત્યતા ઘણીવાર સંદેહજનક હોય છે. એટલે જ તેઓ ભારત અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે એનાથી ફૂલાઈ જવાની જરૂર નથી. શ્રીમાન ટ્રમ્પ સનસનાટી મચાવનારા નેતા છે અને પોતે કહેલા શબ્દોનું વજન કે મહત્ત્વ ખુદ જાણતા નથી એવું ઘણીવાર અનુભવાય. ચીનમાં ત્યાંના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કેટલીયવાર મહાન નેતા લેખાવ્યા. શી સરમુખત્યાર હોવા છતાં ચીનના શાસક છે. ગજબની પકડ ધરાવે છે. આ તેમના નેતૃત્વ સામે ગંભીર સવાલો એ છે, માનવાધિકાર જેવું ચીનમાં કંઈ છે જ નહીં, ટ્રમ્પ આ જાણતા નથી ? આપણે ભારતના અનુસંધાનની વાત કરીએ તો ભારત અને અમેરિકાના સંબંધોમાં એકસૂત્રતાનો અભાવ સતત વર્તાતો રહ્યો છે. અમેરિકાએ તેની મરજી મુજબ ભારત સાથેના સંબંધોને વધુ કે ઓછું મહત્ત્વ આપવાનાં વલણને દાયકાઓથી જાળવી રાખ્યું છે, તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પ્રકૃતિ મુજબ ક્યારેક ભારતની ટીકા કરે તો ક્યારેક ઓવારી જાય છે. આવામાં સ્વાભાવિક રીતે ભારતે અમેરિકાથી એક સલામત અંતર જાળવવાની વણજાહેર નીતિ અમલી બનાવી હોય તેવી છાપે હવે ટ્રમ્પ સરકારને ભારત સાથેની મિત્રતા જાળવવાની અનિવર્યાતા વધુ એક વખત સમજાઈ રહી છે.  ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા આવીને વ્હાઈટ હાઉસના મહેમાન બનવાનું આમંત્રણ પણ આપ્યું છે. આમ તો રૂબિયો ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા દિલ્હી આવ્યા હતા, પણ તેમનો મુખ્ય એજન્ડા દ્વિપક્ષીય સંબંધોમાં ભારતની નારાજગીને દૂર કરવાનો હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું. ભારત જેવા મજબૂત અર્થતંત્રની અવગણના અમેરિકા સહિત દુનિયાના કોઈપણ દેશને પરવડે તેમ નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઈરાનના મામલે પાકિસ્તાનની મદદ લેવાથી ઊભી થયેલી પરિસ્થિતિની સાથોસાથ ભારતની આતંકવાદ અંગેની ચિંતા અંગે ગંભીરતા ન દર્શાવવાનાં વલણથી ભારતમાં સ્વાભાવિક રીતે નારાજગી છે. પણ હવે રૂબિયો આ નારાજગીને દૂર કરવા આવ્યા હોય તેમ તેમણે ભારતને એક મહાન દેશ અને અમેરિકાનું ભાગીદાર ગણાવીને સંખ્યાબંધ ક્ષેત્રોમાં કામ કરવાની તત્પરતા વ્યક્ત કરી છે. તેમણે તેમની ભારતયાત્રાનો ઉદ્દેશ વેપાર, સંરક્ષણ, ઊર્જા, ટેકનિકલ  સહયોગની સાથોસાથ ઈન્ડો પેસેફિક દરિયાઈ વિસ્તારમાં સાથે મળીને  કામ  કરવાનો હોવાની વાત પણ કરી હતી. રવિવારે રૂબિયો અને વિદેશમંત્રી એસ. જયશંજકરે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી, તેમાં અમેરિકા તરફથી કેટલીક સ્પષ્ટતા પણ કરવામાં આવી. પાકિસ્તાન સાથેના સંબંધ ભારતના ભોગે ન હોવાનું રૂબિયોએ ભારપૂર્વક જણાવ્યું છે. મુલાકાતી વિદેશમંત્રીએ અમેરિકી અર્થતંત્રમાં ભારતીયોનાં યોગદાનની નોંધ લેતાં કહ્યું કે, તેની વિઝાનીતિમાં ફેરફાર ભારતીયોને નિશાન બનાવીને કરાયા નથી. અમેરિકાના આ હકારાત્મક વલણથી ભારત ભારે હરખાય તેમ નથી. ભૂતકાળમાં સંબંધો એકદમ ગાઢ હતા ત્યારે પણ જે રીતે અમેરિકાએ અચનાક વલણ બદલી નાખ્યાનો અનુભવ ભારતને  છે. આવામાં હવે અમેરિકા અને તેના રાષ્ટ્રપતિની એ જવાબદારી બની રહેશે કે, ભારતના ખચકાટને ધ્યાને લઈને કરેલી વાતોને  ખરા અર્થમાં અમલી બનાવે. અમેરિકાને ભારત સાથેના સંબંધો અને વલણમાં સાત્યતા આણવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. આમ થશે તો જ ભારતને અમેરિકા સાથેના સંબંધોમાં મીઠાશ રહેશે.

Panchang

dd