• બુધવાર, 27 મે, 2026

ભુજ-દિલ્હી રૂટની નવી ટેનને અંજારમાં સ્ટોપ મળતાં કરાયું સ્વાગત

અંજાર, તા. 25 : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ભુજ-દિલ્હી નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો આરંભ  કરવામાં આવ્યો છે. આ  ટેનનો અંજારને સ્ટોપ અપાતાં નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અંજાર કોમર્સ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આ ટેનને આવકારવા સાથે સંબંધિતોનો આભાર વ્યક્ત કરાયો હતો. કચ્છને ઉત્તર ભારત સાથે જોડતી નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનનાં અંજારમાં પ્રથમ આગમન સમયે સ્થાનિક  નગરસેવકો તથા સ્થાનિક અગ્રણી તેમજ સંસ્થા  સભ્યો દ્વારા ટ્રેનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, આ નવી સેવાથી કચ્છના વેપાર, રોજગાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી થશે. બહોળા મુસાફરવર્ગને સરળ અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે. અંજાર કોમર્સ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલે ભવિષ્યમાં પણ કચ્છ જિલ્લાના હિતમાં વધુ ટ્રેન સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરીને સાંસદ વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યે હતો. ટેનના સ્વાગત પ્રસંગે એ.સી.ડી.સી.ના પ્રમુખ દીપેનભાઈ પંડયા સાથે વિપલભાઈ વોરાણી, ભોગીભાઈ પટેલ, નીતેશભાઈ પટેલ, હિમ્મતભાઈ પટેલ, રાજનભાઈ હર્ષ, અમિતભાઈ સોની, હરેશભાઈ દક્ષિણી, જિજ્ઞેશભાઈ સોની, ડી.સી. ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હોવાનું મંત્રી દિલીપભાઈ શેઠિયાએ જણાવ્યું હતું.

Panchang

dd