• મંગળવાર, 26 મે, 2026

પડાણા-અજાપરમાં લાકડાંના બેન્સામાં આગથી નુકસાની

ગાંધીધામ, તા. 25 : અહીંના પડાણા તથા અંજારના અજાપરમાં આવેલા લાકડાના બેન્સામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં તમામ સામાન સળગી ગયો હતો. જો કે, બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પડાણામાં આવેલ ગ્રીન ગોલ્ડ ટિમ્બર્સ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં સો મિલ નંબર ચારમાં તા. 21/5ના રાત્રે આગ લાગી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં શ્રમિકોમાં દોડધામ થઇ પડી હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં ઓફિસમાં રહેલા દસ્તાવેજ, લાકડાં સળગી ગયાં હતાં. આ બનાવમાં રૂા. બે કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો છે. મુદિલ અખિલેશ માંગલિકે પોલીસમાં જાણ કરી હતી. બીજીબાજુ અજાપરમાં ઓમ ટિમ્બર માર્ટમાં તા. 24/5ના રાત્રે આગ લાગી હતી. લાકડાંના ઢગલાઓમાં અચાનક લાગેલી આગથી તમામ લાકડાં સળગી ગયાં હતાં. અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બંને બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ બનાવ અંગે મહિપાલસિંહ બિહારીલાલે પોલીસને જાણ કરી હતી.

Panchang

dd