વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને `મહાન નેતા' લેખાવતાં
કહ્યું હતું કે, મોદી મારા મિત્ર છે અને હું તેમનો ચાહક છું.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અમેરિકા પર 100 ટકા
ભરોસો કરી શકે છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ પર દિલ્હીનાં ભારત
મંડપમ્માં યોજિત કાર્યક્રમમાં ટ્રમ્પે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરને ફોન કરી
લોકોને સંબોધન કર્યું હતું. મને મોદીજી પ્રત્યે, ભારત
પ્રત્યે પ્રેમ છે. મોદીને હલ્લો કહો. અમે પહેલાં કદી ભારતથી આટલા નજીક નથી રહ્યા,
તેવું અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા હતા. ભારતને કદી પણ મદદની જરૂર પડે
તો તેમને ખબર છે કે, કોને કોલ કરવો. આ નિવેદન એવા સમયે
આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વેપારસંધિ અને ટેરિફ પર વાતચીત કરી રહ્યા છે.
ભારત અમેરિકા પર 100 ટકા ભરોસો કરી શકે છે તેવી અમેરિકાના
રાષ્ટ્રપતિની ટિપ્પણી રોકાણ, ટેક્નોલોજી અને વેપાર
સહયોગ મોરચે સહયોગ માટે વિશ્વાસનો સંદેશ મનાય છે. બન્ને દેશ સંરક્ષણ, સેમિકંડક્ટર, એઆઈ, ઊર્જાના
ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ અગાઉ પણ સપ્ટેમ્બર 2019માં
`હાઉડી
મોદી'
કાર્યક્રમમાં, ફેબ્રુઆરી 2020માં
`નમસ્તે
ટ્રમ્પ'
કાર્યક્રમમાં તેમજ 2024માં અમેરિકી ચૂંટણી પ્રચાર
દરમ્યાન મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે.