ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ સંકુલમાં પાણીની ગંભીર કટકોટી છે અને
લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, તે વચ્ચે
ટાગોર રોડથી ગુરુકુળના ગેટ તરફ જતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે,
દરમિયાન કોન્ટ્રાક્ટરે ખોદકામ કરતી વખતે લાઈન તોડી નાખતાં હજારો
લિટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે, મહાનગરપાલિકાના
અધિકારીઓને જાણ થતાં જ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાર પછી કોન્ટ્રાક્ટરને સૂચના
આપતાં લાઈનની મરંમત કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં
હજારો લિટર પાણી વહી ચૂક્યું હતું. જે પાણી લોકોના ઘરના નળમાં આવવું જોઈએ તે
માર્ગો ઉપર અને લીકેજોમાંથી શેરી- ગલીઓમાં વેડફાય છે. હાલના સમયે ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરોમાં પીવાનાં પાણીની ભારે તંગી છે. ટપ્પર- વરસામેડીથી પૂરતા પ્રમાણમાં
પાણીનો જથ્થો આપવામાં આવતો નથી, તેવું મહાનગરપાલિકાનું તંત્ર
કહે છે, જેના કારણે જોડિયા શહેરોમાં વિતરણ વ્યવસ્થા ઉપર
ગંભીર અસર પડી રહે છે. એક બાજુ પાણી ઓછું આવે છે અને બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ
રહ્યો છે. લોકોને પાણી બચત માટે અનુરોધ કરતું તંત્ર પોતાના પાણીની લાઈનોમાં રહેલા
લીકેજો દૂર કરે તે જરૂરી છે અને જે કોન્ટ્રાક્ટરો કામગીરી દરમિયાન લાઈનો તોડીને
વ્યાપક પાણીનો બગાડ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી રહી છે.
ટાગોર રોડથી ગુરુકુળના ગેટ તરફ જતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
રોડની કામગીરી દરમિયાન જેસીબીથી પીવાનાં પાણીની લાઈન તોડી નાખવામાં આવતાં હજારો
લિટર પાણીનો વેડફાટ થયો હતો. શહેરમાં પાણી બગાડે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી
કરીને 10,000નો
ચાર્જ વસૂલવામાં આવે છે, તો કોન્ટ્રાક્ટરે લાઈન તોડીને
હજારો લિટર પાણીનો વેડફાટ કરી નાખ્યો છે. તેની સામે કાર્યવાહી શું કામ કરવામાં
આવતી નથી, તેવા સવાલો શહેરના જાગૃત નાગરિકો તંત્રને પૂછી
રહ્યા છે. બંને શહેરોમાં કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરોએ અનેક જગ્યાઓએ લાઇન તોડી
નાખી હતી અને હજુ પણ કોન્ટ્રાક્ટરો લાઈનો તોડી રહ્યા છે તેમ છતાં કાર્યવાહી
કરવામાં ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.