કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ
: કુદરતી
આફતો અને સંકટોમાં કચ્છી માડુઓનું ખમીર મપાઇ જતું હોય છે. આ ખમીર, ખુમારી કે પડકારોનો
હિંમતભેર સામનો કરનાર કચ્છીઓની સંખ્યા કેટલી ? એની ગણતરીનો સમય આવી પહોંચ્યો છે. 1લી જૂનથી વસ્તીગણતરીનો ધમધમાટ શરૂ થશે.
ઓનલાઇન નોંધણી તો શરૂ પણ થઇ ચૂકી છે. કચ્છ ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો
છે, પણ 2012ની છેલ્લી જનગણના પ્રમાણે
વસ્તીના આંકડામાં કચ્છનો 15મો ક્રમ
છે. 2011માં ગુજરાતની વસ્તી 6.04 કરોડ નોંધાઇ હતી અને કચ્છની
20.92 લાખ હતી. લગભગ દોઢ દાયકે
થનારી વસ્તીનાં પરિમાણો બદલાઇ જાય એવી પૂરી સંભાવના છે. વસ્તી કોઇપણ પ્રદેશનો ધબકાર
હોય છે. કચ્છની વાત થોડી નોખી એટલા માટે છે કે, વસ્તી સાથે અહીં દેશની સુરક્ષા જોડાયેલી
છે. સંવેદનશીલતા રહેલી છે. વિકાસની સાથે વસ્તી વધવી જોઇએ, પણ કચ્છમાં ગ્રામીણ વિસ્તાર
સુવિધાઓના અભાવે અથવા તો શહેરી ક્ષેત્ર તરફની દોડને લીધે ખાલી થઇ રહ્યો છે. કચ્છના રાપર, અબડાસા, લખપત,
નખત્રાણા જેવા સીમાવર્તી તાલુકાનાં ગામડાંમાં ચહલપહલ પાંખી થવી એ ચિંતાનો વિષય છે.
કચ્છીઓ વિશ્વવ્યાપી છે. કચ્છ ઔદ્યોગિકીકરણ પછી પંચરંગી જિલ્લો બનવા તરફ છે. એક સમયે કાળાડુંગર પછીનો ખાવડા વિસ્તાર રણ તરફ જતાં નિર્જન
રહેતો. આરીપાર્કના આગમન પછી હજારો કામદારો ત્યાં સક્રિય છે. અબડાસા, લખપતના છેવાડાના
સૂના વિસ્તારોમાં પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ પછી ચેતન આવ્યું છે. ગાંધીધામ ક્ષેત્ર તો દાયકાઓથી પંચરંગી પ્રજાને લીધે કોસ્મોપોલિટનની છાપ
ધરાવે છે. બંદર પ્રવૃત્તિ અને મહાકાય ઉદ્યોગોને લીધે એકાદ લાખથી વધુ પરપ્રાંતીય કંડલા-મુંદરા વિસ્તારમાં કાયમી વસવાટ કરતા થઇ ગયા છે. કચ્છની વસ્તી વિશે
કેટલીક રસપ્રદ નોંધ જોઇએ. `કચ્છનો
સર્વાંગી ઇતિહાસ'માં ડો. તુષાર હાથીએ નોંધ્યું છે એ પ્રમાણે કોઇપણ પ્રદેશમાં વસતા લોકોની
સંખ્યા એકંદર લોકજીવનને અસર કરે છે. કચ્છ એક એવો અપવાદરૂપ પ્રદેશ છે, જ્યાં હજુ ગ્રામીણ
જીવનનો ધબકાર જોવા મળે છે. શહેરીકરણની પ્રક્રિયા ડાંગ જિલ્લાને બાદ કરતાં કચ્છમાં ખૂબ
ધીમી ગતિએ નોંધાઇ છે. કચ્છની વસ્તીમાં સવા શતાબ્દીમાં લગભગ પાંચગણો વધારો નોંધાયો છે.
દેશને સ્વતંત્રતા મળ્યા બાદ સૌ પ્રથમવાર વસ્તીગણતરી 1951માં થયાનું નોંધાયું છે,
પરંતુ 1901થી આધારભૂત આંકડા ઉપલબ્ધ
છે. પ્રા. જિતેન્દ્ર અંતાણીએ કચ્છમિત્રના એક લેખમાં નોંધ્યું છે કે, સૌ પ્રથમ દેશળજી
બાવાના સમયમાં 1909માં વસ્તીગણતરી કરવામાં આવી
હતી, ત્યારે 896 ગામ અને 4,09,148ની વસ્તી હતી. એ પછી 1928માં ગણતરી થઇ ત્યારે 1026 ગામ અને 4,87,306 માનવવસ્તી નોંધાઇ હતી. કચ્છની
ખૂબી એ છે કે, વિસ્તારની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. 45,652 ચો. કિલોમીટરના ભૌગોલિક ક્ષેત્રફળ
સાથે વિસ્તારની દૃષ્ટિએ કચ્છ પ્રથમ આવે છે, જ્યારે લેહ જિલ્લો (45,110 ચો. કિલોમીટર) બીજાં સ્થાને
છે. વસ્તી અને ક્ષેત્રફળના આધારે ગીચતા નક્કી થતી હોય છે. 2001ની ગણતરી મુજબ કચ્છમાં વસ્તીની ઘનતા પ્રતિ ચો.કિ.મી. 35 લોકોની હતી જે વધીને 2011માં પ્રતિ ચો. કિલોમીટર 46ની થઇ ગઇ છે. ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગિકીકરણે હરણફાળ ભરી છે
અને સંખ્યાબંધ પરપ્રાંતીય લોકો આવીને વસ્યા એ પછી આ ફેરફાર નોંધાયો છે. 2026ની ગણતરીમાં કચ્છની વસ્તી
અને ઘનતામાં મોટો ઉછાળો આવવાની ધારણા સેવવામાં આવી રહી છે. આ વખતે સેન્સસ પ્રક્રિયાને
ડિજિટલ દુનિયાનો મોટો સપોર્ટ મળ્યો છે. સરકારે ઓનલાઇન વિગતો ભરવાની લિન્ક અને પ્રક્રિયા
જાહેર કરી દીધી છે. અનુમાન એવું છે કે, કચ્છની વસ્તી 20.92 લાખથી વધીને 29 લાખ સુધી પહોંચી શકે છે.
ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસન વિકાસને પગલે કચ્છનું ઝડપી ડેવલપમેન્ટ થયું છે. સેન્સસ
પ્રક્રિયામાં એ જાણવું રસપ્રદ રહેશે કે, શહેરીકરણની પ્રક્રિયા કેટલી પ્રભાવી છે અથવા
તો બીજાં રાજ્યો (ઉ.પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન)માંથી કામધંધા અર્થે આવેલા લોકોની
(ફ્લોટિંગ પોપ્યુલેશન) હાજરી કેટલી વધી છે. વસ્તીગણતરી માત્ર આંકડા એકત્રિત કરવાની શુષ્ક પ્રક્રિયા
જ નથી. સમાજના બંધારણ, વિવિધ વર્ગ, જ્ઞાતિની પરિસ્થિતિ, આર્થિક તાકાત, કૌશલ્ય, લોકોનું
જીવનધોરણ, શિક્ષણ, વયજૂથ એ બધી વિગતો પણ ઉપયોગી કે અતિ જરૂરી છે. સેન્સસ સ્ટાફ આપણો
સંપર્ક સાધે અથવા તમે ડિજિટલ ફોર્મ ભરો તો બને એટલી તમામ વિગતો ફિલઅપ કરજો... સમાજનું,
પ્રદેશનું સાચું ચિત્ર મેળવવા માટે આ જરૂરી છે. અને છેલ્લે જનગણના વિશે થોડું અવનવું...
-ભારતની સૌ પ્રથમ જનગણના ઇ.સ. 1872માં થઇ હતી.-લેટીન ટર્મ `સેન્સર'માંથી `સેન્સસ' શબ્દ ઊભરી આવ્યો છે, જેનો એક અર્થ છે ટુ એસ્ટિમેટ. -ડો. એસ. આર. મહેશ્વરીએ જાણીતા ગ્રંથ `ધ સેન્સસ એડમિનિસ્ટ્રેશન અન્ડર ધી રાજ
એન્ડ આફટર'માં એક કિસ્સો ટાંક્યો છે. તા. 1-2-1869માં અવધમાં પ્રથમ જયનગણના હાથ ધરાઇ તો લોકોમાં નાસભાગ મચી ગઇ.
એવી અફવા હતી કે, બ્રિટિશ સરકાર પોતાના સૈનિકો માટે પત્નીઓની શોધમાં છે અને પરિણીત
કે કુંવારી કન્યાને ગોરાઓ ઉપાડી જશે. ભારે હંગામો મચી ગયો હતો. એટલે જ 1869ની ગણતરીના પ્રથમ રિપોર્ટમાં
ઘણા ગામડાંમાં કન્યાઓની સંખ્યા `શૂન્ય'
દર્શાવવામાં આવી છે.